આણંદમાં NCDFIના મુખ્યાલયનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો

આણંદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા (NCDFIના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમ દરમિયાન ઈ-માર્કેટ પ્લેટફોર્મ મારફતે વિવિધ ડેરી ઉત્પાદનો અને કૃષિ ઉપજોનો વેપાર કરનારા અને સેવાઓ પૂરી પાડનારા ડેરી સહકારી મંડળીઓના હિતધારકોના પ્રયાસોને સન્માનિત કરતા NCDFI ઈ-માર્કેટ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યાં હતાં. ભારતના ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૭ વિજેતા સંગઠનોને પુરસ્કારો એનાયત કરાયા હતા.
NCDFI મુખ્યાલયના શિલાન્યાસ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે. સહકારી ડેરી ઉદ્યોગથી માત્ર દૂધ ઉત્પાદક જ નહિ, પરંતુ સમગ્ર સમાજ, ગામ અને કૃષિ ક્ષેત્રને પણ અનેક લાભ મળે છે. તેમણે સહકારી ડેરીના લાભ ગણાવતા કહ્યું હતું કે, દરેક ગામ, દરેક જિલ્લા અને રાજ્યોમાં પણ દૂધ સંઘો કાર્યરત હોવાથી ગામડાના દૂધ ઉત્પાદકોને દૂધ સંઘ મારફત દૂધના પોષણક્ષમ ભાવ મળે છે, અને તેમનું શોષણ થતું અટકે છે. સહકાર ક્ષેત્રથી માત્ર દૂધના પોષણક્ષમ ભાવ જ નહિ, પરંતુ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા પશુઓની નસલ સુધારા, પશુ આરોગ્ય અને પશુ સારવારની પણ ચિંતા કરવામાં આવે છે. આ સાથે જ કુપોષિત બાળકોને પોષણયુક્ત દૂધ પહોંચાડીને સહકારી ડેરીઓ પોષણ અભિયાનમાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. ગુજરાતથી શરુ થયેલી શ્વેત ક્રાંતિનો સાચો શ્રેય ગામડામાં પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલી બહેનોને જાય છે. તે સમયે ડેરી અને ડેરી ટેકનોલોજીની કલ્પના પણ નહોતી, એ પ્રકારની ડેરી વ્યવસ્થા અને પરિસ્થિતિનું આજે રાજ્યમાં સર્જન થયું છે. આજે એ જ અમૂલનું ટર્ન ઓવર ૭૦ હજાર કરોડ છે અને અમૂલ ડેરી રોજનું ૪૦ હજાર લીટર દૂધ પ્રોસેસ કરે છે. ગુજરાતમાં ડેરી ક્ષેત્રમાં આજે અનેક પ્રતિષ્ઠિત બ્રાંડ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાતની દરેક ગરીબ મહિલાને આત્મનિર્ભર બનાવવા સહકારી ડેરીઓ તરફથી અનેક પ્રયાસો થઇ રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કો. ઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવનના શિલાન્યાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં ‘સહકારથી સમૃદ્ધિ’ની દિશામાં વધુ એક પહેલરૂપ ગણાવ્યો હતો. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપને પરિણામે દેશમાં આઝાદીના દશકો બાદ પ્રથમ વાર અલગ સહકારીતા મંત્રાલય શરૂ થયું છે. એટલું જ નહીં, આ મંત્રાલયની જવાબદારી પણ સહકાર ક્ષેત્રના અગ્રણી અને સબળ નેતૃત્વ કર્તા અમિતભાઈ શાહને સોંપવામાં આવી છે. NCDFIનું નવું ભવન ખેડૂતો-પશુપાલકોને આત્મનિર્ભર બનાવવા, નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિઓની તાલીમ આપવામાં ભવિષ્યનું પ્રવૃત્તિ કેન્દ્ર બનશે. સૌના સાથ, સૌના વિકાસના ધ્યેય અને સહકારિતાની ભાવના વધુ સુદ્રઢ બનાવી દૂધ ઉત્પાદન-વેચાણમાં અમૃતક્રાંતિથી વડાપ્રધાને આપેલા વિકસિત ભારત@૨૦૪૭ સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રીએ આ તકે આહવાન કર્યું હતું.
NCDFIના કાર્યાલય ભવનના શિલાન્યાસ પ્રસંગે ડો. મંગલ જીત રાયે સ્વાગત પ્રવચન કર્યું હતું. NCDFIના મેનેજિંગ ડિરેક્ટર શ્રીનિવાસ સજ્જાએ NCDFIના ઓફિસ બિલ્ડિંગના શિલાન્યાસ સમારંભ અને ઈ-માર્કેટ એવોર્ડ્સ માટે આભાર પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, NCUI અને IFFCOના ચેરમેન દિલીપ સાંઘાણી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન ડો. મીનેશ શાહ તથા સમગ્ર ભારતમાંથી ડેરી સહકારી મંડળીઓના વડાઓ, નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન્સના પ્રતિનિધિઓ, રાષ્ટ્રીય સ્તરની અન્ય સહકારી મંડળીઓના પ્રતિનિધિઓ, ખેડૂતો-પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here