આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે: મોદી

 

ગાંધીધામ: વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ અંજારમાં વિશાળ  સભાને સંબોધીત કરી હતી. કચ્છની છ સીટો ઉપર ભાજપનું કમળ ખીલે તે માટે અંજારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કચ્છની દુશ્મન ગણાવી જિલ્લામાં થયેલા વિકાસની વાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના મારા ભાઇ-બહેનોને રામ રામ કરતા સંબોધનની શરૂઆત કરી જણાવ્યું કે, કચ્છની ધરતી કર્તવ્ય અને કૌશલ્યની ધરતી છે. આ સંકલ્પ અને ઇચ્છાશક્તિની ધરતી છે. ૨૦૦૧માં જયારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે આ કચ્છ ફરી બેઠુ નહીં થાય તેમ મનાતું હતું. આ કચ્છની ખમીરવંતી પ્રજા અને સરકારની નીતીની જુંગલબંદીએ ફરી કચ્છ તેજ ગતીથી દોડે છે. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. ૨૦૨૨ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી ૨૫ વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નહોતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાતાવરણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે, આજે કચ્છ પાણીદાર બન્યું છે. 

વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન. કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું, અટકાવવાનું કામ થતું હતું. આ તમારો દિકરો ગાંધીનગર બેઠો અને ઉપવાસ પર બેસી ડેમની ઉંચાઇ વધારવા લડત કરી અને પાણી પહોંચાડ્યું. ભાજપ માત્ર વાતો નથી કરતું. એક વાર કહીએ તો કામ કરીને જ રહીએ. આજે કચ્છ દાડમ, ખજૂર, કમલમ, કચ્છની કેરી એકસપોર્ટ કરતું થયું. આજે કચ્છની ખેતપેદાશ દુનિયામાં ડંકો વગાડી રહી છે. ૨૦૨૩માં આખી દુનિયા મોટા અનાજના વર્ષની ઉજવણી કરશે અને બાજરી, જુવાર અને રાગીનો ડંકો વાગશે. સરકારે પશુપાલકોને થતા રોગચાળાને અટકાવવા ૧૪ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું નક્કી કર્યુ છે. જેમ મનુષ્યના આધાર કાર્ડ કાઢ્યા છે તેમ પશુઓને નંબર આપવાનું કામ કર્યુ છે અને તેમની માવજત કરવાનું કામ કર્યુ. 

કચ્છની વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે, કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. સ્મૃતિવન એટલે આ ભૂજિયો ડુંગર એક જમાનામાં સુકો ભઠ્ઠ હતો, પરંતુ મોદી સરકારના વિઝનથી ભૂજને કચ્છને નવું ફેફસુ મળ્યું છે. સ્મૃતિવન જીવનદાઇત્વ બને તેટલું મોટુ જંગલ બનાવ્યું છે અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ લોકોએ મુલાકાત કરી છે. જાહેર સભામાં કચ્છ ભાજપના આગેવાનો અને છ બેઠકોના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં મોદી સમય કરતાં મોડા પડ્યા હતા. કોઈ મોદીનો લુક સાથે આવી પહોંચતા લોકોએ તેના સાથે સેલ્ફી પણ લીધી હતી. અમુક લોકોએ મુંડન કરાવી માથામાં મોદી લખાવ્યું હતું. એક મોદી ભક્ત તો છેક પાલનપુરાથી મોદીને સાંભળવા અંજાર પહોંચી આવ્યો હતો. સભામાં કુલ ૩૮૦૦૦ની બેઠક વ્યવસ્થા કરતાં પણ વાધુ લોકો સભામાં આવી જતાં લોકોને ઊભા રહી મોદીને સાંભળવા પડ્યાં હતા