આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ‘એમ. કે. ગાંધી હાજીર હો’નો સફળ નાટ્ય પ્રયોગ

 

અમદાવાદઃ બહુ વખણાયેલા નાટક ‘એમ કે ગાંધી હાજીર હો’ને કોરોના બાદ ફરી એકવાર સરકારશ્રીના રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ નિમિત્તે ૨૪-૧૦-૨૦૨૧ રવિવારના રોજ સાંજના ૪ વાગ્યાનો શો યોજાયો હતો.

આ નાટક દ્વારા કદાચ સૌ પ્રથમવાર ગાંધીજીની વિરુદ્ધમાં ચાલી રહેલા અમુક બહુ પ્રચલિત વિવાદોને છેડવામાં આવ્યા છે. જેમકે, આશ્રમના કડક નિયમ, બ્રહ્મચર્યના ચર્ચિત પ્રયોગ, ભગતસિંહની ફાંસી, આઝાદી, ભાગલા, મુસ્લિમ તરફી વલણ, સરદાર ને સ્થાને નહેરુને પ્રાધાન્ય, પાકિસ્તાનને પંચાવન કરોડનો હપ્તો. અને આ સૌથી વિવાદાસ્પદ સુનાવણી  દ્વારા આ વિવાદોના ઉત્તર આપી સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ચાલી રહેલી સાચી-ખોટી વાતોને બદલે હકીકત અને તથ્યોને વર્તમાન પેઢી સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. સાથે સાથે વર્તમાન સમયમાં ગાંધીજીના વિચારો અને ઉપદેશ પાલનની સમકાલીન સુસંગતતાની વ્યવહારિક વાત પણ આ નાટકમાં બહુ રસપ્રદ રીતે અને આસાનીથી ગળે ઉતરી જાય, એ રીતે આવરી લેવાઈ છે. અને આમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સન્માનીય છબી જાળવી રાખવાનો ભાવ દર્શક લઇને જાય એવો પ્રયત્ન છે.  

નાટકની શરૂઆતમાં મોહન (શ્રી કૃષ્ણ) અને મોહનદાસ (ગાંધીજી) વચ્ચેનું સામ્યનો વિડીયો પણ કદાચ સૌ પ્રથમવાર આ રીતે લોકો સમક્ષ આવી રહ્યો છે, એ પણ દર્શકોને પ્રભાવિત કરે છે.

મહાદેવ એકેડેમી ફાઉન્ડેશન પ્રસ્તુત, રાજકુમાર જાની અને સુનીલકુમાર નિર્મિત, રફીક પઠાણ વડનગરી દિગ્દર્શિત આ નાટકનું લેખન અને ગાંધીજીની ભૂમિકા દીપક અંતાણી અને વકીલની ભૂમિકા મેહુલ બુચ નિભાવી હતી.

રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી મ્યુઝીયમમાં વોક વિથ ગાંધી અને રાજકોટ મ્યુઝિયમમાં ટોક વિથ બાપુ સહિત અનેક પદયાત્રા તેમજ રંગમંચ, ટીવી, ફીલ્મ અને અન્ય માધ્યમોમાં મહતમ વાર મહાત્મા ગાંધીજીની ભૂમિકા ભજવવા માટે દીપક અંતાણી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ-૨૦૧૯માં ટોપ-૧૦૦ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. મેહુલ બુચ રંગમંચ, ટીવી, ફિલ્મ, એડ-ફિલ્મના જાણીતા અભિનેતા છે.

કલાકારો અને ટેકનિશિયન્સ મળીને ૩૦થી ૩૫ જણની ટીમ દ્વારા ભજવતાં આ નાટકનો પ્રથમ શો હિન્દી ભાષામાં તાઃ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જ્ન્મ દિવસે કરી એમને સમર્પિત કરાયો હતો. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આ નાટકને ૪ સ્ટાર આપ્યા હતા. ત્યારબાદ ગુજરાત ટુરીઝમ પ્રાયોજોત વર્લ્ડ આર્ટ ફેસ્ટીવલમાં પણ આ નાટકના કેટલાક શો વિવિધ સ્થળોએ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here