આજની નારીઃ દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે

0
3031

સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે. જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટવૃક્ષ થઈ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા સક્ષમ બની શકે છે. આજ સ્ત્રીને જ્યારે માત્ર ઘરના એક ખૂણામાં સજાવેલી વસ્તુ ગણવામાં આવે છે ત્યારે તે સંવેદનાવિહીન સુકાયેલા થડ જેવી બની જાય છે.

પહેલાં હંમેશાં એક જ વાક્ય સાંભળવા મળતું હતું કે ‘દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે’, પરંતુ આજે જમાનો બદલાઈ ગયો છે. આજે કહી શકાય કે, ‘દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે,’ અને આ જરા પણ ખોટું નથી. પોતાની કારકિર્દી એટલે કે કામને મહત્ત્વ આપતી સ્ત્રીઓ માટે આજની નારી બનવું ખરેખર ચેલેન્જિંગ હોય છે, પુરુષે માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝૂમવું પડે છે જ્યારે એ જ સ્ત્રીને ઘર અને બહારના બન્ને મોરચા બરાબર રીતે સંભાળવા પડે છે, અને ત્યારે જ તે પોતાની કંઈક અલગ ઓળખ, પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે, પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ખૂણો હોય, પણ સ્ત્રીઓને સોંપાયેલાં કામ, ઘરસંસારની જવાબદારી બધે જ સરખી હોય છે.
આકાશમાં ઊડવું હોય તો પાંખો અવશ્ય ફેલાવવી પડે, પરંતુ એ માટે બુદ્ધિ સાથે ધગશ પણ જોઈએ, મહેનત કરવાની તૈયારી જોઈએ. આપણી અંદર રહેલી શક્તિઓની ઓળખ સૌપ્રથમ આપણે જ કરવી રહી. અને તો જ તેની બહાર જગતમાં કદર થશે. દરેક માણસમાં અલગ ખાસિયત અને શક્તિઓ છુપાયેલી રહે છે, જેની ઓળખ તેણે જાતે જ કરવાની હોય છે. કેટલાકની અંદર બુદ્ધિ-શક્તિ પહેલેથી જ ભરી પડી હોય છે તો કેટલાકને એ મહેનત દ્વારા વિકસાવવી પડે છે.
કોઈ કહે કે, મને કોઈ શોખ નથી કે મારામાં કોઈ આવડત નથી, તો તે ખોટું કહે છે. દરેકની અંદર શોખ અને આવડત છુપાયેલાં હોય છે. તેને બહાર કાઢવાની જરૂર છે. તેના માટે કોઈ યોગ્ય માર્ગદર્શન કરનારું મળી આવે તો જીવન બદલાઈ જતાં વાર નથી લાગતી, જે આપ સૌ મારા કરતાં પણ વધારે સારી રીતે સમજી શકો છો.

શોખ ના હોય તો તેને વિકસાવવો, આવડત ના હોય તો શીખી લેવું જોઈએ. કોઈ પણ કાર્ય ખુશીથી હાથમાં લો પછી તેને સમય આપો તો એનો વિકાસ થતાં વાર નહિ લાગે, અને તેમાંથી નામ અને દામ બન્ને મેળવી શકશો.
સરોજબહેનને બે દીકરા હતા. બન્ને પરણીને દૂર શહેરમાં અલગ ચાલ્યા ગયા. પતિ પોતાની નોકરીમાં વ્યસ્ત રહેતા. હવે સરોજબહેન ઘરમાં એકલાં પડી ગયાં. આ દરમિયાન તેઓ ભારે એકલતા અનુભવવા લાગ્યાં. સમય એવો આવ્યો કે તેમની જીવવાની ઇચ્છા લગભગ ઘટવા લાગી.

આવા સમયે સરોજબહેનની ઓળખાણ સુમિત્રાબહેન સાથે થઈ. તેમના કરતાં ઉંમરમાં આઠ-દસ વર્ષ મોટાં અને વિધવા સુમિત્રાબહેન શરીર સાથે મનથી તંદુરસ્ત જણાતાં હતાં. હકારાત્મક વિચારોનો જાણે ધોધ હતાં. તેમણે સરોજબહેનને શીખવ્યું કે તારી અંદર રહેલા કોઈ પણ જૂના શોખને બહાર લાવ અને તેને અનુરૂપ જીવવાનો રસ કેળવ. તું ખુશ રહીશ તો બીજાઓને ખુશી આપી શકીશ.

સરોજબહેને મનને ટટોળી જોયું, અને તેમને યાદ આવ્યું કે નાનપણમાં તેમને અવનવી ફેશન સાથેનાં ડિઝાઇન કરેલાં કપડાં પહેરવાનો ગજબનો શોખ હતો. બાને તે જાતે ડિઝાઇન કરીને આપતાં અને બા તેમના કહ્યા પ્રમાણે બધા કરતાં અલગ કપડાં સીવી આપતાં. સરોજબહેને સૌ પહેલાં કપડાં સીવવાનાં બે મશીન વસાવ્યાં, સાથે સોસાયટીમાં રહેતી આવો જ શોખ ધરાવતી બે યુવતીઓને ટ્રેનિંગ આપવા માંડી. આમ જોતજોતાંમાં ઘરે રહી ફેશન ડિઝાઇનિંગના ક્લાસ શરૂ કરી દીધા. તેમની આત્મશક્તિમાં વધારો થયો, સાથે તેમનું નામ પણ જાણીતું બન્યું.

એકમાત્ર સ્વ-શક્તિની ઓળખ તેમને બીજાઓ કરતાં અલગ ઓળખ અપાવી ગઈ. આજુબાજુ રહેતી સ્ત્રીઓને પણ કામ મળવા લાગ્યું. આમ એકસાથે બે કામ સુખરૂપ પૂરાં થયાનો સંતોષ તેમને મળી ગયો.
ઘરકામના જવાબદારીભર્યા કામ કાઢીને સ્ત્રીઓ કોઈ પણ કામમાં સફળ થાય ત્યારે તેમને બિરદાવવી રહી. આજની નારીએ સમાજના રૂઢિચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે. પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુગટ સદીઓથી વરેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેમણે આજ સુધી પૂરતા પ્રમાણમાં લીધો છે, પરંતુ હવે સમાજમાં વધતું જતું શિક્ષણ દરેકના વિચારોને ધીરે ધીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ઘણા સમજદાર પુરુષો પણ છે જે પોતાની સ્ત્રીને આગળ વધવા એને જોઈતી મોકળાશ અને અન્ય સહારો આપવા તત્પર રહે છે.
સ્ત્રીઓની હંમેશાં એક ખાસિયત રહી છે. સ્ત્રીઓ એકસાથે અનેક કામ એક સમયે કરી શકે છે. ઘરકામ કરતાં કરતાં તે બાળકોને ભણાવી શકે છે, પતિની વાતો સાંભળી તેને યોગ્ય સલાહ આપી શકે છે. ઓફિસમાં નોકરી કરતી સ્ત્રીઓ તો રસોડામાં તેમનું લેપટોપ રાખી રસોઈ સાથે ઓફિસનું કામ પણ કરી શકે છે. આને કહેવાય સુપરવુમન. સુપરવુમન માત્ર શબ્દોથી બની શકાતું નથી. એના માટે સ્ત્રીઓએ જાતે જ કર કસવાની હોય છે. બિચારી બનીને જીવવા કરતાં પોતાના પગ પર ઊભાં રહેવાની ક્ષમતા કેળવવાની જરૂર છે.

હવે જ્યારે પુરુષ પોતે કામ કરતો હોય એવા સમયે જો બાળક તેના હોમવર્ક વિશે કંઈ પણ પૂછવા આવે તો તેનો સીધો જવાબ મળી આવે છે, હમણા હું બિઝી છું. આનો અર્થ એ નથી કે પુરુષ તે કામમાં કાબેલ નથી, પણ તેને એકસાથે બધાં કામ કરવાની આદત નથી.
જ્યારે એક સ્ત્રી પત્ની, માતા, ગૃહિણી – બધા રોલ સાથે નિભાવી શકે તેમ છે, થોડા હળવા શબ્દમાં કહું તો રસોડામાં ગેસ પર શાકનાં વઘારની સાથે રોટલી ચડાવતાં એ ટીવી સિરિયલ જોઈ શકે છે. સાસુ-વહુના ઝઘડામાં ટાપસી પણ પૂરી શકે છે. દુઃખના પ્રસંગમાં રડી પણ શકે અને સુખમાં હસી પણ શકે છે. આ છે સ્ત્રીઓની કાર્યદક્ષતા. છતાં એના એક પણ કામમાં કચાશ રહેતી નથી. દરેક કામમાં જાત રેડી દેવાની તેની આદત હોવાથી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે. બસ સ્ત્રીઓએ પોતાની આ આવડતને ઓળખવાની જરૂર છે.
પુરુષોની તુલનાએ સ્ત્રીઓની નિર્ણયશક્તિમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે. આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે પૂરેપૂરી લગનથી એ પૂરુ કરે છે. એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોંચેલી સ્ત્રીઓ બહુ સક્સેસફુલ હોય છે.
આ બધા માટે સૌ પહેલાં જરૂરી છે શિક્ષણ. હવે જમાનો બદલાઈ રહ્યો છે. માત્ર ગણતરથી સ્ત્રીઓનો વિકાસ શક્ય નથી, ભણતર ખૂબ જ જરૂરી છે.
આજની સુશિક્ષિત સ્ત્રીઓ સ્વાવલંબી બની છે. તેમને કોઈના ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી. એક સ્ત્રી તરીકે હું માનું છું કે સ્વાવલંબી બનવું અતિ મહત્ત્વનું છે, હા, પણ સ્વછંદી નહિ. સ્ત્રીઓએ પોતાની બુદ્ધિ અને વિચારશક્તિનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી કૌટુંબિક એકતા અને સુખ-શાંતિ જળવાઈ રહે, તે તેની પહેલી જવાબદારી છે. પોતાના ઘરની ચાર દીવાલો બની તેમાં હૂંફ અને લાગણીનું સર્જન કરવાની, જો આમ ના કરવામાં આવે તો ઘરભંગાણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. એ કારણે જ સ્ત્રી ઘરની એકતા અને સુખ-શાંતિની પહેલી અને મજબૂત કડી છે.
કોઈ પણ ઓફિસમાં સ્ત્રી અને પુરુષ સાથે જે કામ કરતાં હોય ત્યાં સ્ત્રી ઝડપી હોય છે. તેનું કારણ શોધતાં જણાશે કે સ્ત્રીઓને થોડા થોડા સમયે ચાની તલપ નથી લાગતી. સ્ત્રી ઓફિસમાં પાન-મસાલા કે સિગારેટ પીતી નથી. ઓફિસનું કામ પતાવી ઘર તરફ જવાની ઉતાવળ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ હોય છે પરિણામે તેમને સોંપેલાં કામ વધુ ઝડપથી પૂરાં કરે છે.
સ્ત્રીને ગમે તે દેશ કે સમાજમાં એક જ નજરે મૂલવવામાં આવે છે, દેખાવથી. કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવા એના બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતાં જોવા મળે છે. આધુનિક સમજુ યુવતીઓને ખરેખર તો એવા પુરુષો ગમે છે જે એના બાહ્ય સૌંદર્ય કરતાં એના આત્મીય સૌંદર્યને તેના કાર્યને સમજી શકે, તેના અંતરમન સુધી પહોચી શકે. આજની સ્ત્રીઓને કોઈ તેના રૂપનાં નહિ, પણ ગુણનાં વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે.
કોઈ પણ સંજોગોમાં સ્ત્રીઓએ પણ પોતાનાં થતાં વખાણથી ભરમાઈને ભોળવાઈ જવું જોઈએ નહિ. લપસણી ભૂમિ ઉપરનું આ પહેલું પગથિયું છે. નોકરી કરતી સ્ત્રીઓએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
સમાજે એક વાત સ્વીકારી લેવાની જરૂર છે કે સ્ત્રીઓ કદીયે નિર્બળ કે બિચારી રહી જ નથી. હા, તેનામાં બલિદાનની ભાવના વધુ રહે છે. પરિણામે તે નિર્બળ લાગે છે. આપણાં પુરાણોમાં પણ નારીઓનું મહત્ત્વ અને પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી. રામાયણની સીતા હોય કે મહાભારતની દ્રૌપદી હોય, ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય. અને પ્રેમ અને બલિદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઊર્મિલા હોય – આપણાં પુરાણોએ હંમેશાં સ્ત્રીઓએ પોતાનું શક્તિ સ્વરૂપ આપ્યું છે, અને દરેક યુગમાં સ્ત્રીઓને મોકો મળતાં પોતે આદ્યશકિત છે એ પુરવાર કરી બતાવ્યું છે.
ભારત જેવા દેશોમાં પુરુષપ્રધાન સમાજમાં ઘરેલુ હિંસા થવી સામાન્ય વાત બની ગઈ છે. જોકે વિશ્વમાં દરેક જગ્યાએથી સ્ત્રીઓ ઉપર થતા પુરુષોના અત્યાચારો સાંભળવામાં આવતા જ હોય છે. ત્યારે સમજાય છે કે આજની નારી હજી પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પગભર નથી બની.
તમે બધાએ સાંભળ્યું જ હશે કે સ્ત્રી જ સ્ત્રીની પહેલી દુશ્મન બને છે. આમ કેમ? આપણે બધા એક જ નાવમાં સફર કરીએ છીએ તો બધા એકબીજાના મિત્રો કેમ નથી કહેવાતા.
સ્ત્રી જ સ્ત્રીને સમજી શકે છે, સ્વતંત્રતા આપી શકે છે. ઘરમાં સાસુ નણંદ કે જેઠાણીના સ્વરૂપે રહેલી સ્ત્રીઓ જો સંપ અને પ્રેમથી એકસાથે રહે તો ઘરમાં કે બહાર બીજા પુરુષો કે સમાજ દ્વારા તેનું શોષણ થતું અટકાવી શકાશે, પરંતુ આ બધાની વચ્ચે સ્ત્રીઓએ પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચેનો ભેદ સમજી લેવાની ખાસ જરૂર છે. બહાર કામ કરવામાં અને સ્વતંત્ર વિચારોમાં એક વાતનો ખ્યાલ રાખવો ખાસ જરૂરી છે કે બાળકો સૌ પહેલાં માતાનું અનુકરણ કરે છે. માટે તેમને સારા સંસ્કાર આપવા માટે પણ માતાએ તેના આચરણને સંયમી રાખવું જોઈએ. બીજાઓનું મન સાચવવું અને પ્રેમથી ઘરસંસાર સંભાળવો પણ સૌપ્રથમ સ્ત્રીની જવાબદારીનો ભાગ છે એ પણ ના ભૂલવું જોઈએ.
સમાજ વિકસી રહ્યો છે, પણ જે વર્ષોપુરાણી બદીઓ અને વિચારસરણીઓમાંથી હજી સંપૂર્ણ રીતે મુક્ત નથી બન્યો એ માટે શિક્ષણ સૌથી મોટી જરૂરિયાત છે. જૂનાપુરાણા વિચારો ધરાવતો સમાજ હજી પણ માને છે કે પત્નીનું કામ ઘર સાચવવા રસોઈ કરવાનું અને બાળકો મોટાં કરવાનું છે, જેમાં ભણતરની જરૂર નથી. અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને ભણતર દ્વારા મેળવેલી કેળવણી એનું માનસ બગાડે છે, એના વિચારોને સ્વછંદતા આપે છે. પરિણામે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે, આ સદંતર ખોટું છે.
આવો સમાજ પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેનાં બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માને છે કે સ્ત્રીઓનો ઉદ્ધાર કરી નાખ્યો. હકીકતમાં સ્ત્રીઓનો ઉદ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો, શિક્ષણ આપો. તેને વિચારોની સ્વતંત્રતા આપો. ભણેલીગણેલી દીકરી તેના બાળપણથી લઈ યુવાની સુધીની સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતાં પહેલાં દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એનાં સાસરિયાંમાં પણ તેની બુદ્ધિમત્તાને અને સંસ્કારને કારણે મા-બાપનું નામ ઊંચું રાખશે.
એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે, અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઈને એક સાચા કેળવણીકારની ગરજ સારે છે. જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ધરાવતી હશે તો તમારાં બાળકોને તેમના જીવનપથ પર આગળ વધવા મદદરૂપ બનશે. પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચીંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શિની સાબિત થઈ શકશે. પુરુષની કટોકટીના સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કંઈક અંશે ઓછો કરી શકશે!
ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચતાને લઈને ખરાબ માર્ગ પર જતાં પહેલાં સારાંનરસાં પાસાંઓ ઉપર એક વાર જરૂર વિચાર કરશે. તે પોતાનો સ્ત્રીધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે. અક્ષરજ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે, તેના કરતાં વધુ જરૂરી સમાજના ઉદ્ધાર માટે છે.

લેખિકા અમેરિકાસ્થિત સાહિત્યકાર છે.