આચાર્ય બાલકૃષ્ણ સહિત ત્રણ મહાનુભાવોને ‘શાલીન માનવરત્ન’ અર્પણ

(ડાબે) મોગરીમાં આવેલી આધ્યાત્મિક સંસ્થા અનુપમ મિશનના પ્રણેતા જશભાઈ શાહેબના હસ્તે શાલીન માનવરત્ન એવોર્ડ સ્વીકારતાં રમીલાબહેન ગાંધી. (વચ્ચે) પતંજલિ યોગ વિદ્યાપીઠના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણદાસજી મહારાજને એવોર્ડ પ્રદાન કરતા જશભાઈ સાહેબ સાથે શાંતિભાઇ અને અશ્વિનભાઈ. (જમણે) ડો. તેજસ નાયકને એવોર્ડ અર્પણ કરતા જશભાઈ સાહેબ. (તમામ ફોટોસૌજન્યઃ પીટરભાઇ)

મોગરીઃ મોગરીસ્થિત આધ્યાત્મિક સંસ્થા અનુપમ મિશનનો ‘શાલીન માનવરત્ન’ પ્રદાન કાર્યક્રમ અનુપમ મિશનના પ્રણેતા જશભાઈ સાહેબના પ્રમુખપદે અને અશ્વિનભાઈ, શાન્તિભાઈ, રતિભાઈ, પૂનમભાઈ સહિત વરિષ્ઠ અનુપમ સંતોના સાંનિધ્યમાં યોજાયો હતો. 1993માં શરૂ થયેલી આ પ્રવૃત્તિએ 2004થી વેગ પકડ્યો અને પ્રત્યેક વર્ષે દેશ-વિદેશમાંથી વિશિષ્ટ ગુજરાતીઓને શોધીને એવોર્ડ અપાતો રહ્યો છે. આ એવોર્ડની વિશિષ્ટતા એ છે કે પ્રત્યેક વર્ષે એક ગુજરાતી મહિલાને પસંદ કરવામાં આવે છે. આ ઉપરાંત સામાન્યતઃ એક વિદેશવાસી અને એક ગુજરાતમાં વસતા ગુજરાતીને એવોર્ડ અપાય છે.
આ વર્ષે શાલીન માનવરત્ન એવોર્ડમાં ત્રણ વિશિષ્ટ વ્યક્તિઓને પસંદ કરવામાં આવી હતી, જેમાંના એક પતંજલિ યોગ વિદ્યાપીઠના ચેરમેન આચાર્ય બાલકૃષ્ણજી હતા. તેઓ યોગગુરુ રામદેવજીના વિશ્વાસુ સાથીદાર અને પ્રવૃત્તિના ધુરાવાહક છે. આયુર્વેદ અંગેના અનેક ગ્રંથોના સર્જક, આયુર્વેદિક ઉપચાર, પર્યાવરણ સંવર્ધન, યોગ અને સ્વદેશીકરણને સમર્પિત છે. તેમના દ્વારા પ્રત્યક્ષ રીતે 20 હજાર નાગરિકોને રોજી અપાય છે. પરોક્ષ રીતે દસ લાખથી વધુ વ્યક્તિઓ તેમનાથી રોજી પામે છે. 30 હજાર કરોડ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતી સંસ્થાના તેઓ વડા છે. તેમણે એવોર્ડ સ્વીકારતાં કહ્યું, ‘હું એવોર્ડ સ્વીકારવા કરતાં સાચું કહું તો, મારા મિત્રોને અને સંતોને મળવા અને આશીર્વાદ લેવા આવ્યો છું. અમને દુનિયામાં ખૂબ જ થોડા લોકો જાણતા ત્યારે અનુપમ મિશનની બોલબાલા હતી. અનુપમ મિશનના સંતોને કામ કરતા જોયા, ઉદ્યોગો ચલાવતા જોયા, કપડાં ભગવા રંગે રંગ્યા વિના દિલને ભગવું કરીને, જનહિતાર્થે અને પ્રભુ પ્રત્યે કામ કરતા જોયા. અમે એમનું જોઈને કર્મયોગ શીખ્યા. સાહેબે સાધુ બીજા માટે શું કરી શકે તે અમને એમના કર્મયોગથી બતાવીને અમને સાધુદષ્ટિ આપી. કર્મ એ બંધનનું સાધન નથી, પણ ત્યાગ સાથે ફળની ભાવના વિના કરો તો મોક્ષનું સાધન છે. એ સાધુદષ્ટિ સાહેબે આપી.

મહિલાઓ માટેનો એવોર્ડ રમીલાબહેન ગાંધીને આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામમાં તેમણે યોગાજંલિ આશ્રમ સ્થાપ્યો છે. કુદરતી આફતોમાં પીડિત જનસમુદાય અને વંચિતો પ્રત્યે વહાલ રાખીને તેઓ ગામેગામ ફરીને જનસેવાની વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. જીવનના નવમાં દશકામાં આ કર્મઠ મહિલા, મહિલા સશક્તિકરણ, શિક્ષણ વગેરેની પ્રવૃત્તિ કરે છે.

ત્રીજો એવોર્ડ ડો. તેજસ નાયકને આપવામાં આવ્યો. તેજસભાઈ સમય પહેલાં જન્મેલાં બાળકો (પ્રિ-મેચ્યોર્ડ)ના સર્જન અને ડોક્ટર છે. બબ્બે વાર બનેલા વડા પ્રધાન બનેલા ગુલઝરીલાલ નંદાના તેઓ દોહિત્ર થાય. નંદાજી 1952માં જ્યાંથી સૌપ્રથમ લોકસભામાં ચૂંટાયા તે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ડો. તેજસ નાયકે સફળ સર્જન તરીકેની ધીકતી કમાણી છોડીને, દર અઠવાડિયે જઈને અત્યાર સુધીમાં 2000 કરતાં વધારે શિશુઓની જન્મ સમયની શારીરિક ક્ષતિઓનું ઓપરેશન કરીને નિવારણ કર્યું. અને તેમના પરિવારોમાં આનંદની જ્યોતિ પ્રગટાવી. ડો. તેજસભાઈએ એવોર્ડ સ્વીકારતાં કહ્યું હતું કે આ બધું પોતાના ખર્ચે જઈને મા-બાપ પાસે કંઈ પણ લીધા વિના સરકારી કે કોઈ પણ સેવાભાવી સંગઠનની મદદ વિના કોઈ દાતાઓ શોધ્યા વિના કર્યું છે.

જશભાઈ સાહેબે સમારંભના પ્રમુખસ્થાનેથી જણાવ્યું હતું, આવા જનસેવાના વિશિષ્ટ છડીધરોને સન્માનતા અમને આનંદ થાય છે. તેમના આગમનથી અમારી સેવા પ્રવૃત્તિને અને અમને બળ મળ્યું છે. આચાર્ય બાલકૃષ્ણજી પતંજલિ યોગ વિદ્યાપીઠના વાઇસ ચેરમેન છે. ભારતનું નાણું ભારતમાં જ રહે એ માટે તેઓ પ્રયત્નશીલ છે. તેમનો સહવાસ આનંદ આપે છે. બીજાને માટે શું કરવું જોઈએ તેવી સાધુદષ્ટિ એમણે સૌને આપી છે.