આગામી 24 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી જમ્મુ- કાશ્મીર વિષયક બેઠકમાં ગુપકાર ગઠબંધન સહિત વિપક્ષો ભાગ લેશે..

 

 તાજેતરમાં નેશનલ કોને્ફરન્સના અગ્રણી નેતા ફારુક અબદુલ્લાના નિવાસસ્થાને આયોજિત ગુપકાર ગઠબંધનની બેઠકમાં 6 રાજકીય દળના નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકની આગેવાની ફારુક અબદુલ્લાની નેશનલ પાર્ટી તેમજ મહેબૂબા મુફતીની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ લીધી હતી. બેઠકમાં  હાજર રહેલા ગઠબંધનના પ્રવક્તા યૂસૂફ તારીગામીના જણાવ્યું હતું કે, અમે જમ્મુ – કાશ્મીર વિષે વાત કરીશું. અમારી બેઠકનો કોઈ ચોક્કસ એજન્ડા નથી. દરેક વ્યક્તિ – દરેક પક્ષ પોતાની વાત રજૂ કરવા સ્વતંત્ર છે. અમે બેઠકમાં કંઈ સૂરજ ચાંદ- તારા માગવાના નથી. અમે એ જ વસ્તુની માગણી કરીશું , જેના પર અમારો અધિકાર છે. અમે આર્ટિકલ -370 અંગે કોઈ સમાધાન કરવાના નથી. 

    આગામી 24 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી બેઠકમાં જમ્મુ કાશ્મીર અંગે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. જેમાં જમ્મુ- કાશ્મીરમાં થઈ રહેલો રાજકીય વિરોધ, કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજયનો દરજ્જો આપવાની બાબત ચર્ચા. 2018 બાદ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થઈ નથી એ બાબતને લક્ષ્યમાં રાખીને પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની શક્યતા ને પરિસ્થિતિના અવલોકનની ચર્ચા વગેરેનો સમાવેશ થાય છે્. 

    24 જૂનની બેઠકના આયોજનની અગાઉ ગૃહપ્રધાન અમિત શાહે ગૃહ મંત્રાલયના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ, ગૃહ સચિવ અજય ભલ્લા, ઈન્ટેલિજન્સ બ્યુરો – આઈબીના ડિરેકટર અરવિંદ કુમાર, રોના અધ્યક્ષ સામંત કુમાર ગોયલ, જમ્મુ- કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહપ્રધાન અમિત શાહ જમ્મુ – કાશ્મીરના ઉપ- રાજ્યપાલ મનોજ સિન્હાને પણ મળ્યા હતા. 

      ઓગસ્ટ, 2019માં કેન્દ્ર સરકારે લોકસભામાં વિશેષ વિધેયક પેશ કરીને રાજ્યને વિશેષાધિકાર આપતી બંધારણની 370મી કલમને  તેમજ તેની જોગવાઈઓને રદ કરી હતી. તેની સાથે જમ્મુ- કાશ્મીરને બે કેન્દ્રશાસિત રાજ્ય- જમ્મુ- કાશ્મીર અને લદાખ તરીકે વિભાજિત કરવામાં આવ્યા હતા. 

 ઉપરોકત નિર્ણય કરતાં અગાઉ જમ્મુ- કાશ્મીરમાં રાજકીય પક્ષોના નેતાઓ 

  ફારુક અબદુલ્લા , મહેબૂબા મુફતી તેમજ અન્ય આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડાક મહિનાઓ બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.