આગામી વર્ષોમાં ભારત દેશ અને દુનિયાનું ગ્રોથ એન્જિન બનશેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જોહાનિસબર્ગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના મહામારી પછી સૌપ્રથમ વખત વ્યક્તિગત રીતે મળી રહેલી બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યાં હતા. અહીં એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બ્રિક્સ બિઝનેસ ફોરમને સંબોધન કરતા ભારતની સિદ્ધિઓ અંગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રોમાં ઉથલપાથલ છતાં ભારતીય અર્થતંત્ર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ભારત ઉદ્યોગો માટે રેડ ટેપ હટાવીને લાલ જાજમ બિછાવી રહ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે, ભારતે ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વના ટોચના ૧૦ અર્થતંત્રોમાંથી ટોચના પાંચ અર્થતંત્રોમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારત નજીકના સમયમાં જ પાંચ લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બની જશે. એટલું જ નહીં આગામી વર્ષોમાં ભારત દુનિયાનું ગ્રોથ એન્જિન હશે. ભારતે આપત્તિઓ અને મુશ્કેલ સમયમાં આર્થિક સુધારામાં ફેરફાર કર્યા હોવાથી આ શક્ય બની શક્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે મિશન મોડમાં અર્થતંત્રમાં ફેરફાર કર્યા છે. તેનાથી ભારતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ (વેપાર કરવામાં સરળતા)માં વધારો થયો છે. બિઝનેસ કરવાની મંજૂરી મેળવવા માટે જે અલગ અલગ નીતિઓ હતી તેનો ભાર ઘટાડવામાં આવ્યો છે. વર્તમાન સરકારે રેડ ટેપ હટાવીને રેડ કાર્પેટ બિઝાવી છે, જેનાથી વેપાર કરવાના વિકલ્પો વધ્યા છે. વડાપ્રધાન મોદીએ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને ૧૦મા સ્થાપના દિનની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે આર્થિક સહયોગ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બિઝનેસ કાઉન્સિલ સંમેલનમાં ભાગ લેતા પહેલાં જોહાનિસબર્ગમાં બની રહેલા સ્વામીનારાયણ મંદિરના કામની સમીક્ષા કરી હતી. આ મંદિર વર્ષ ૨૦૧૭થી બની રહ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં તેનું કામ પૂરું થઈ જશે તેમ મનાય છે. વડાપ્રધાન મોદી બ્રિક્સ બેઠકમાં ભાગ લેવા માટે ચાર દિવસના પ્રવાસે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. અહીં ૨૨-૨૩ ઓગસ્ટે ૧૫મી બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ માટામેલા સિરિલ રામફોસાના આમંત્રણથી અહીં પહોંચ્યા છે. જોહાનિસબર્ગ એરપોર્ટ પર ઉપરાષ્ટ્રપતિ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.
વડાપ્રધાન મોદીને આવકારવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો પણ પહોંચ્યા હતા. આર્ય સમાજના દક્ષિણ આફ્રિકાનાં અધ્યક્ષ આરતી નાનકચંદ શાનંદ અને ભારતીય સમુદાયના એક સભ્યે વડાપ્રધાન મોદીને રાખડી બાંધી હતી. તેમણે ઉમેર્યું કે, પીએમ મોદી તેમના માટે પિતા તુલ્ય છે. પીએમ મોદી દુનિયાને ‘વસુધૈવ કુટુંબકમ’ એટલે કે એક પરિવાર સમાન જૂએ છે. વેદોથી મળેલી આ શીખથી તેઓ દક્ષિણ આફ્રિકામાં મોટું પરિવર્તન લાવવા જઈ રહ્યા છે.
જોહાનિસબર્ગમાં બ્રિક્સ બેઠકમાં હાજરી પછી વડાપ્રધાન મોદી ૨૫મી ઓગસ્ટે ગ્રીસના તેમના પહેલા પ્રવાસે એથેન્સ પહોંચશે. મોદીએ કહ્યું કે, ૪૦ વર્ષ પછી ગ્રીસનો પ્રવાસ કરનારા તેઓ પહેલાં ભારતીય વડાપ્રધાન બનશે. બંને સભ્યતાઓ વચ્ચેનો સંપર્ક ૨,૦૦૦ વર્ષ જૂનો છે અને આધુનિક સમયમાં આપણા સંબંધ લોકતંત્ર, કાયદાના શાસનથી મજબૂત થયા છે.