આગામી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાતા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની સરખામણી કરીને નરેન્દ્ર મોદીની પ્રતિભા ઉજળી બતાવવાનો પ્રચાર મુદો્ બનાવવાનું આયોજન ભાજપ કરી રહ્યો છે..

0
591
REUTERS

આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે અન્ય કોઈ પ્રચાર કીમિયો ચાલે કે ન ચાલે પણ  નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીની સરખામણી કરીને તેઓ કેટલા નબળા ઉમેદવાર છે તેવું પુરવાર કરવાનો પ્રયાસ ભાજપ કરશે એવું માનવામાં આવી રહ્યું છે. ભાજપે સબકા સાથ, સબકા વિકાસ, રામ- મંદિરનું નિર્માણ, રાષ્ટ્રવાદ , હિંદુત્વ વગેરે બાબતોને લોકો સામે ઉપસાવવાના પ્રયત્નો કર્યા પણ આમ જનતા પાસેથી એનો યોગ્ય પ્રતિસાદ મળ્યો નહિ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમની દરેક પ્રચાર-સભામાં રાહુલ ગાંધી અને નહેરુ- ગાંધી પરિવાર  પર શાબ્દિક પ્રહારો કરીને રાહુલ ગાંધીની અપરિપક્વ વિચારસરણી અને નિવેદનો પર વ્યંગ કરતા રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી નામદાર સામે કામદાર જેવો શબ્દ-પ્રયોગ કરીને આગામી સમયના ભાજપના પ્રચારની દિશા તરફ અંગૂલી નિર્દેશ કરતા રહ્યા છે. ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણી કરતાં અત્યારે જુદી પરિસ્થિતિ છે.અનેક સાર્વજનિક સમસ્યાઓ સરકાર ઉકેલી શકી નથી. સરકારની કામગીરી બાબત અનેક લોકોમાં અસંતોષ છે. હાલમાં લોકોમાં ભાજપની નેતાગીરી પ્રત્યે નારાજગી છે. માત્ર નરેન્દ્ર મોદીની વ્યક્તિગત પ્રતિભા સિવાય ભાજપ પાસે કોઈ સબળ મુદો્ ઉપલબ્ધ નથી રહ્યો. આથી વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી જ રાહુલ કરતાં વધુ સક્ષમ અને યોગ્ય છે એ પુરવાર કરવાના પ્રયાસો ભાજપ કરશે , એ સ્પષ્ટ છે. આમ છતાં જો વિપક્ષો એક થઈને ચૂંટણી માટે મહાગઠબંધન કરે તો ભાજપ માટે ચૂંટણીમાં વિજય મેળવવો કપરું થઈ પડશે એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.