
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રમુખપદ જોખમાઈ રહયું છે. 2016માં ટ્રમ્પના પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર અભિયાનના સંચાર સલાહકાર માઈકલ કેપુટોએ આ વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેન નાણાકીય અનિયમિતતા, કરચોરી તેમજ કોટી જુબાની આપવા સહિતના આઠ કેસમાં પોતાનો અપરાધ કબૂલ કરી ચૂકયા છે. કોહેને ન્યુયોર્કની અદાલતમાં કબૂલ કર્યું હતું કે, ટ્રમ્પના કહેવાથી તેણે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ અને એક મોડેલને પોતાનું મોઢું બંધ રાખવા માટે પૈસા આપ્યાહતા. તે બન્નેએ ટ્રમ્પ સાથે પોતાના અંગત સંબંધો હોવાનો દાવો કર્યો હતો. જો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડેમોક્રેટ બહુમતી મેળવવામાં સફળ થશે તો પ્રમુખની વિરુધ્ધ મહાભિયોગ લાવવામાં આવશે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, જો તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવશે તો અમેરિકાની અર્થવ્યવસ્થા બરબાદ થઈ જશે. હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર – યુધ્ધ ચાલી રહયું છે. અમેરિકાના ડેમોક્રેટ સાંસદો એવો આક્ષેપ કરી રહયા છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની સરકારના વ્યાપાર- યુધ્ધની અસર અમેરિકાના આયાતકારો તેમજ નિકાસકારો પર પડી રહી છે. અમેરિકન ટેરિફની બાબતે ચીને વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. ચીનનું માનવું છે કે અમેરિકાની આ વ્યાપાર- નીતિ અવ્યવહારિક છે. અમેરિકાની આ વ્યાપાર- નીતિની ચીનની કંપની પર માઠી અસર પડી રહી છે. અમેરિકાએ 34 અબજ ડોલરની ચીનની નિકાસ પર 25 ટકા ટેકસ લગાવ્યો છે.