આગામી ગણતંત્ર દિવસ -26 જાન્યુઆરી 2019ની ઉજવણી પ્રસંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અતિથિ- વિશેષ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે..

0
779
Reuters

આગામી ભારતીય ગણતંત્રદિનની ઉજવણી પ્રસંગે ખાસ મહેમાન તરીકે હાજરી આપવા માટે ભારત સરકારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગત એપ્રિલ મહિનામાં આમંત્રણ પાઠવ્યું હતું એવી માહિતી એક સત્તાવાર રાષ્ટ્રીય અખબારે આપી હતી. જો કે અમેરિકાનું વહીવટીતંત્ર આ નિમંત્રણ વિષે વિચારણા કરી રહ્યું છે, જો અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ આમંત્રણ સ્વીકારશે તો બન્ને દેશોની વિદેશનીતિ માટે આ પગલું મોદી સરકારની એક મોટી સિધ્ધિ ગણાશે. 2015માં નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારના શાસનકાળમાં અમેરિકાના ત્તકાલીન પ્રમુખ બરાક ઓબામા ગણતંત્રદિનની ઉજવણી પ્રસંગે ભારત પધાર્યા હતા.ઓબામાની આ મુલાકાત બાદ ભારત અમેરિકાના રાજદ્વારી સંબંધો મજબૂત કરવાનો માર્ગ ખુલ્યો હતો. 2016માં અબુધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયેદે ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું ભારતનું આમંત્રણ સ્વીકારીને ગણતંત્રદિનની ઉજવણીમાં હાજરી આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો મિજાજ અતરંગી છે. તેમનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી વિદેશી નેતાઓ તેમની સાથે આત્મીયતા કેળવતા ખચકાટ અનુભવે છે. હાલમાં વ્યાપારના ક્ષેત્રની આયાત- નિકાસ નીતિ ભારત- અમેરિકા પારસ્પરિક સંબંધોમાં કડવાશ ઉમેરી ચૂકી છે. ભારતના ઈરાન સાથેના ઊર્જા કરાર, રશિયા સાથે એસ-400 મિસાઈલ અંગેની સુરક્ષા સમજૂતીઅમેરિકા માટે ચિંતાનો વિષય બનેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો ભારતના આમંત્રણનો સ્વીકાર કરે તો એ  ભારત- અમેરિકાના સંબંધોમાં સ્વાભાવિકતા લાવવાના મોદી સરકારના પ્રયાસની સફળતા ગણાશે.