આગથી થયેલ નુુકસાન માટે વીમા કંપનીનાં ‘ઠાગાઠૈયા’ સામે અરજદારની જીત

 

અમદાવાદ: અમદાવાદમાં પાંચ વર્ષ પહેલાં ઓફિસમાં લાગેલી આગને કારણે વીમા કંપનીએ વીમાદારને પૂરતું વળતર ન ચૂકવતાં સ્ટેટ કમિશનમાં રજૂ કરાયેલ વીમા વળતરની માંગણી સંદર્ભે નામદાન કોર્ટે વીમા કંપનીને વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હૂકમ કર્યો છે.

કેસની વિગતો પ્રમાણે, અમદાવાદમાં પંચવટી પાસે આવેલ કૈવલ કોમ્પલેક્ષમાં બિપીન શાહ મહેતા મેપીન પબ્લીશીંગ પ્રા. લિ. નાં નામે વિવિધ પ્રકારના પબ્લીકેશનનો વ્યવસાય કરે છે. ૨૦૧૬માં તેમની ઓફિસમાં આગ લાગતાં ફર્નીચર સહિત તમામ પબ્લીકેશનને લગતી સામગ્રી બળીને રાખ થઈ ગઈ હતી. આ અંગે મેપીન પબ્લીકેશન વતી ધ ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કં. લિ. માં નુકસાની વળતર માટે દાવો રજૂ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૩૨ વર્ષથી ધ ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ કં. લિ. સાથે વીમા પોલીસી ધરાવતાં મેપીન પબ્લીકેશન વીમા કવરેજમાં પુસ્તકો, પ્રીન્ટીંગ મટીરીયલ તથા બીલ્ડીંગ અને ઓફિસ ઈક્વીપમેન્ટ સામેલ હતું. જે માટે ૩૨ લાખનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ વીમા કંપનીએ ફક્ત બીલ્ડીંગ ઓફિસ ઈક્વીપમેન્ટ માટે આશરે ચાર લાખ મંજૂર કર્યા હતા. અને બાકીનો વીમો જે પુસ્તકો, પ્રીન્ટીંગ મટીરીયલ, નકશા જેવી સામગ્રીનાં વીમાની રકમ રૂ. ૧૬,૬૪૦૦૦ નામંજૂર કરી હતી. અને બનાવની જગ્યાનો વીમો નહોવાનું જણાવી સરનામું ફેરબદલ કર્યુ હોવાની જાણ વીમા કંપનીને નથી કરાવી એ દલીલ હેઠળ દાવાની રકમ નામંજૂર કરી હતી. આ મુદ્દે મેપીન પબ્લીકેશને સરનામું બદલ્યું હોવાની જાણ વીમા કંપનીને કરી હોવાનાં પુરાવા રજૂ કર્યા હતા. છતાંય વીમા કંપનીએ પોતાનાં વીમામાં સરનામા ફેરબદલનો કોઇ પત્ર વ્યવહાર થયો ન હોવાનું જણાવ્યું હતું. બાદમાં મેપીન પબ્લીકેશને આરટીઆઈ હેઠળ પત્ર વ્યવહાર થયો હોવાનાં સબળ પૂરાવા રજૂ કર્યા હતા. જેની સૂનાવણી ગ્રાહક તકરાર નિવારણ રાજ્ય કમિશન (ગુજરાત)માં લંબાણપૂર્વક ચાલી હતી.

જેમાં મેપીન પબ્લીકેશન વતી હાઈકોર્ટના જાણીતા એડવોકેટ હિમાંશુ જે. ઠક્કરની સબળ દલીલોની રજૂઆત અને પુરાવાઓ ધ્યાનમાં લઇ સ્ટેટ કમિશને વીમા કંપનીને વીમાની રકમ રૂ. ૧૯ લાખ અને તેનાં પર ફરીયાદની તારીખથી હુકમની તારીખ સુધી સાત ટકા લેખે વ્યાજ પણ ચૂકવવા સહિત રૂપિયા પાંચ હજાર માનસિક ત્રાસ અને રૂપિયા એક હજાર લીગલ ખર્ચનાં મંજૂર કરી કુલ રૂપિયા ૨૧ લાખનો દાવો ચૂકવવાનો હુકમ કર્યો છે.