
અમેરિકામાં ગેરકાનૂની પ્રવેશ કરનારા ઈમિગ્રન્ટોના પરિવારોના બાળકોને તેમના માતા-પિતાથી વિખૂટા પાડીને અલગ રાખવાની નિર્દયી શાસનપધ્ધતિની વિશ્વમાં ચારેકોરથી ટીકા કરવામાં આવી . અલગ બાળકોની આકુળવ્યાકુળ તસવીરો પ્રકાશિત થઈ અને આખી દુનિયાએ ટ્રમ્પના નિર્ણયની સામે રોષ- આક્રોશ અને વિરોધ પ્રગટ કર્યો..ગેરકાનૂની પ્રવાસી પરિવારોને તેમના સંતાનોથી અલગ કરવાનો ટ્રમ્પ વહીવટીતંત્રનો ફેંસલો અમાનવીય હોવાનું સાબિત થયું અને ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાનૂની વસાહતીઓને એમના બાળકોથી અલગ કરીને જુદા રાખવાનાી કામગીરી અમલમાં નહિ મૂકવાનો આદેશ જારી કરીને એના પર હસ્તાક્ષર કરી દીધા. ગૃહસુરક્ષા વિભાગ( હોમ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ) ને તાકીદ કરવામાં આવી છે કે જયાં સુધી ગેરકાનૂની પ્રવેશેલા પરિવારો સામે કાનૂની કાર્યવાહીના કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી તેમના પરિવારને અલગ ન કરવામાં આવે. બાળકોને પરિવારની સાથે જ રહેવા દેવામાં આવે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમે પરિવારજનોને સાથે રાખીશું. જેને લીધે સમસ્યા હળવી બનશે. પણ અમે સીમાઓ પર થી ઘુસણખોરીને હરગિઝ સહન નહિ કરીએ. ગેરકાયદેસર ધુસણખોરીની પ્રવૃત્તિ સામે કડક હાથે કામગીરી બજાવવામાં આવશે. જે લોકો ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશ કરે છે તેમને કદી સ્વીકૃતિ નહિ મળે, સરહદ પરની સુરક્ષા અંગે મજબૂત બંદોબસ્ત રાખવામાં આવશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે પરિવારજનોને વિખૂટા કરવાનું સારું નથી લાગતું. ગેરકાનૂની પ્રવેશની આ સમસ્યા અનેક વરસોથી છે. અમે તેનો સામનો કરી રહયા છીએ.