આખરે તીન તલાક બિલ રાજ્યસભામાં પસાર થયું, હવે તીન તલાક ગેર- કાનૂની ગણાશે, દોષીને ત્રણ વરસની જેલની સજા થશે…

0
838

     આજે મંગળવારે 30 જુલાઈના દિને તીન તલાકને ગેર-કાનૂની ગણાવીને સજાની જોગવાઈ કરતું બિલ રાજયસભામાં પસાર કરવામાં આવ્યું હતું. બિલની તરફેણમાં 99 અને તેના વિરોધમાં 84 મત આપવામાં આવ્યા હતા. ઓગસ્ટ, 2017માં સુપ્રીમ કોર્ટે તીન તલાકને ગેર-કાનૂની ગણાવીને ચુકાદો આપ્યો, ત્યારબાદ આ બિલ બે વાર લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંત લોકસભામાં એનડીએના સભ્યોની બહુમતી ન હોવાને કારણે પસાર થઈ શક્યું નહોતું. આ વખતે ફરીવાર બિલ 25 જુલાઈના દિવસે લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું અને પાંચ દિવસ બાદ તેને રાજ્યસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. હવે પીડિત મહિલાઓ પોતાના માટે તેમજ તેમના પુખ્તવયથી ઓછી ઉંમરના સંતાનો માટે પણ ભરણ- પોષણનો દાવો કરી શકશે. બિલમાં 3 વરસની સજાની જોગવાઈનોે કોંગ્રેસના સભ્યોએ વિરોધ કર્યો હતો. રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું હતું કે, કોઈને અપમાનિત કરવા બદલ કે ધમકાવવા બદલ જેલ મોકલી દેવામાં આવે એ પ્રકારની કાનૂની વ્યવસ્થા ઉપરોક્ત બિલમાં કરવામાં આવી છે, જે બિલકુલ યોગ્ય ના ગણી શકાય. કોંગ્રેસ આ બિલને વિચારણા માટે સંસદીય કમિટીને મોકલવાની ઈચ્છા ધરાવતો હતો, પણ બિલને સિલેકટિવ કમિટી પાસે મોકલવાનો પ્રસ્તાવ પસાર થઈ શક્યો નહોતો. કારણકે આ પ્રસ્તાવની તરફેણમાં 100 સભ્યોએ અને પ્રસ્તાવના વિરોધમાં 84 સભ્યોએ મતદાન કર્યું હતું. 

   રાજયભામાં તીન તલાક બિલ પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ માટે આજે ઐતિહાસિક દિન છે.  આજે કરોડો મુસ્લિમ માતાઓ અને બહેનોની જીત થઈ છે. તેમને સન્માનભેર જીવન જીવવાનો અધિકાર પ્રાપ્ત થયો છે.