આખરે ગાંધીનગરના રૂપાલ ગામની વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા અતૂટ રહી

 

ગાંધીનગરઃ ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયની માતાજીની આસો સુદ નોમના દિવસે એટલે કે નવરાત્રીના નવમાં નોરતે પરંપરાગત વર્ષોથી માતાજીને ઘીનો અભિષેક કરવામાં આવે છે, જેને પલ્લી કહેવામાં આવે છે. આખા ભારતમાં અર્જુન અને દ્રોપદીજીનું મંદિર કયાંય નથી. આ રૂપાલના વરદાયિની માતાજીના મંદિરનાં પટાંગણમાં આ મંદિર આવેલું છે. અહીં એક પ્રાચીન ખીજડાનું વૃક્ષ છે, જેમાં વનવાસ દરમ્યાન અર્જુને પોતાના ધનુષ્ય સહિતના શસ્ત્રો છુપાવ્યા હોવાની લોકવાયકા છે.

જ્યાં આસ્થા અને શ્રદ્ધા હોય ત્યાં કોઈનું પણ કાંઈ ચાલતું નથી, તેવું રૂપાલ ગામમાં વરદાયની માતાજીની વર્ષોથી પરંપરાગત યોજાતી પલ્લી દ્વારા સિદ્ધ થયું હતું. આ વર્ષે કોરોનાની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા રૂપાલ ગામે પલ્લી યોજવાની મનાઈ ફરમાવવામાં આવી હતી સાથે જ ગામમાં ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ગામમાં કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવતો ન હતો, કે ગામમાંથી કોઈને બહાર નીકળવા પણ દેવામાં આવતા નહોતા તેમ છતાં આખરે શ્રદ્ધા અને આસ્થા સાથે રૂપાલ ગામમાં મોડી રાત્રે પલ્લી યોજાઇ હતી. જોકે આ વખતે ગામના રસ્તાઓ પર ઘીની નદીઓ જોવા મળી ન હતી. જોકે દર વર્ષની જેમ આ વર્ષે ગામના રસ્તાઓ ઉપર ઘીની નદીઓ જોવા મળી નહોતી, પરંતુ મંદિરના ટ્રસ્ટીઓ અને ગામના કેટલાક લોકોએ મળીને વર્ષોથી ચાલી આવતી પરંપરાને અતૂટ રાખી હતી. આ વખતે પલ્લી રાત્રે બાર વાગ્યા પહેલા વરદાયની માતાજીના મંદિર પરિસરમાં પહોંચી ગઈ હતી અને ઘીનો અભિષેક કરી પલ્લીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અગાઉ પલ્લી ગામના લગભગ ૨૭ જેટલા ચકલા (ચાર રસ્તાઓ) ઉપર માતાજીની પલ્લીને રોકવામાં આવતી હતી અને લાખો શ્રદ્ધાળુઓ ઘીનો અભિષેક કરતા હતા. જેના પગલે રૂપાલ ગામના રસ્તા ઉપર ઘીની નદીઓ વહેવા લાગતી હતી. પરંતુ આ વખતે રસ્તાઓ પર આવી કોઈ ઘીની નદીઓ જોવા મળી ન હતી, પરંતુ પલ્લીની વિધિ યોજાઇ હતી.