આઇપીએલ-૨ યુએઈમાં ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબરમાં રમાશે

Cricket - Second One Day International - India v England - Maharashtra Cricket Association Stadium, Pune, India - March 26, 2021 India's Virat Kohli in action REUTERS/Francis Mascarenhas

 

મુંબઈઃ બીસીસીઆઈએ આઇપીએલની બાકીની ૩૧ મેચો માટે યુએઇમાં ૧પ સપ્ટેમ્બરથી ૧પ ઓક્ટોબર વચ્ચે રમાડવામાં આવશે. બીસીસીઆઇની તા. ૨૯ મેના રોજ મળનારી એજીએમમાં આ યોજના પર આખરી મોહર લાગી શકે છે. બોર્ડે આ પહેલા બે વિકલ્પ વિચાર્યા હતા. એક યુએઇ અને બીજું ઇંગ્લેન્ડ પણ જૂના અનુભવને આધારે આખરે યુએઇ પર પસંદગી ઢોળી હોવાના રિપોર્ટ છે. 

બીસીસીઆઇ અગાઉ પણ આઇપીએલનું આયોજન યુએઇમાં કરી ચૂકી છે. આથી આઇપીએલની ૧૪મી સિઝનના ફેઝ-૨ માટે યુએઇ ફાઇનલ કર્યું છે. કોરોના મહામારીને લીધે આઇપીએલની ૧૪મી સિઝન ૨૯ મેચ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. બીસીસીઆઇની ૨૯ મેના રોજ મળનારી બેઠકમાં આઇપીએલ-૨૦૨૧ ફેઝ-૨ના તારીખ અને સ્થળ લગભગ જાહેર થશે. બીસીસીઆઇએ ઇંગ્લેન્ડ સામેના બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચે જે ૯ દિવસનો ગેપ છે તે ઘટાડીને ૪ દિવસનો ગેપ કરવા ઇસીબીને મૈખિક વિનંતિ કરી છે. જેથી આઇપીએલનાં આયોજન માટે પૂરતો સમય મળી રહે. બંને બોર્ડ વચ્ચે આ મામલે ચર્ચા ચાલી રહી છે. બીસીસીઆઇના સીઇઓ હેમાંગ અમીન ૨૯મીની બેઠકમાં આઇપીએલની બાકીની મેચ યુએઇમાં આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. ઇંગ્લેન્ડની તુલનામાં યુએઇમાં આયોજનનો ખર્ચ ઓછો આવી શકે તેમ હોવાથી ભારતીય બોર્ડ હવે ફરી ખાડીના દેશમાં આઇપીએલને ખસેડવા તૈયાર થઈ ગયું છે. 

સપ્ટેમ્બરમાં યુએઇમાં હવામાન પણ ઠંડું હશે. જે ખેલાડીઓને પસંદ પડશે. અગાઉ યુએઇમાં આઇપીએલનું આયોજન બે વખત થઈ ચૂક્યું છે. ૨૦૨૦ની ગત સિઝન યુએઇમાં સફળ રીતે રમાઈ હતી, જ્યારે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે આઇપીએલની ૨૦ મેચ યુએઇ બોર્ડે હોટસ્ટ કરી હતી. ગયા વર્ષે ૬૦ મેચના આયોજન માટે બીસીસીઆઇ યુએઇ ક્રિકેટ બોર્ડને ૯૮.પ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 

યુએઈમાં તા. પ જૂનથી પાકિસ્તાન લીગ (પીએસએલ)ની બાકીની ૨૦ મેચ રમવાની છે. આ સંદર્ભે બંને બોર્ડ વચ્ચે કરાર થઈ ચૂક્યો છે. પીએસએલમાં ભાગ લેનાર તમામે ૧૦ દિવસ ક્વોરન્ટાઇન રહેવું પડશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે આઇપીએલની બાકીની મેચ કેન્સલ કરવાની સ્થિતિમાં બીસીસીઆઇને ૨પ૦૦ કરોડ રૂપિયાની નુકસાની વેઠવી પડે તેમ છે.