આઇએ હજૂર… ખાઈએ ‘ખજૂર’

0
1391

શિયાળો એટલે શરીરસૌષ્ઠવ દઢ બનાવવાની ઋતુ એવું ઘણાના મુખેથી સાંભળ્યું હશે! એટલે જ શિયાળાની ઋતુ દરમિયાન પૌષ્ટિક આહાર તરફ લોકો વધુ લક્ષ આપતા હોય છે. હાલની સીઝનમાં બજારમાં ‘ખજૂર’નું ધૂમ વેચાણ થાય છે. શું તમને ખબર છે કે ખજૂર દરરોજ ખાવી કેટલી સ્વાસ્થ્યવર્ધક છે. ખજૂરના પૌષ્ટિક ગુણોને કારણે તે ઉપવાસના દિવસોમાં ખાવા માટે ઉત્તમ માનવામાં આવે છે. શું તમે જાણો છો એક કિલો ખજૂર આપણા શરીરમાં 3500 કેલરી ઊર્જાનો સંચાર કરે છે. ખજૂરમાં 70 ટકા શર્કરા હોય છે, જેમાં ગ્લુકોઝ અને ફ્રેક્ટોઝનું પ્રમાણ સૌથી વધુ હોય છે. ખજૂર પૌષ્ટિક ફળ જ નહિ, અનેક રોગોની ઉત્તમ ઔષધિ પણ છે તેને ખજૂરી અને છુહારા પણ કહેવાય છે. બારેમાસ ખજૂરનું સેવન કરવામાં આવે છે. ખજૂર એ શક્તિવર્ધક ફળ છે.


ખજૂરના ગુણધર્મોઃ ખજૂરનું ફળ રુચિકર, મધુર, શીતળ, પાચક અને પુષ્ટિકારક હોય છે. તે અગ્નિવર્ધક તથા હૃદય માટે હિતકારી તો છે જ, સાથે કફ, પિત્ત, વાત અને અનિદ્રાનાશક પણ છે. ખજૂરમાં વિટામિન એ, બી અને સી, પ્રોટીન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ્સ, આર્યન વગેરે તત્ત્વો હોય છે.

સ્વાદમાં ગળપણ ધરાવતા આ ફળમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન, ફાઇબર, મેગ્નેશિયમ, ક્રોમિયમ જેવાં વિવિધ મિનરલ્સ આવેલાં છે. એ શરીરમાં રક્તકણો વધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પાચનશક્તિ સુધારે છે
ખજૂરનો મુખ્ય પાક અરબસ્તાન, ઈરાન અને એની આસપાસના દેશોમાં વધારે થાય છે. આપણે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઊગે છે ખરાં, પણ એને ફળ નથી બેસતાં. ખજૂર પોતે જ એટલી મીઠી હોય છે કે એમાં સાકર ઉમેરવાની જરૂર નથી હોતી.
ખજૂરના આયુર્વેદિક ફાયદાઃ એક ખજૂર ને 10 ગ્રામ ઓસામણ સાથે પીસીને બાળકોને પીવડાવવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે અને બાળક હૃષ્ટપુષ્ટ થાય છે. આ એક ઉત્તમ ટોનિક પણ છે.

સ્ત્રીઓના હિસ્ટીરિયાના રોગમાં ખજૂર ઉત્તમ દવા છે. નિયમિત 5-5 ખજૂર સવાર-સાંજ દૂધની સાથે સેવન કરવાથી હિસ્ટીરિયા રોગનું નિવારણ થાય છે. આ પ્રયોગ બે મહિના સુધી કરવો જોઈએ. થાક દૂર કરવા અને બળવૃદ્ધિ માટે 250 ગ્રામ ખજૂર અને અડધો લિટર દૂધનું પ્રતિદિન સેવન કરવું જોઈએ. બી.પીના દર્દીઓને પણ ગરમ પાણીમાં ખજૂર ધોઈન્ને દૂધમાં ખજૂર ઉકળી ને તે દૂધ પી જવું જોઈએ.

જૂના ઘા પર ખજૂરના ઠળિયાને બાળીને તેની ભસ્મ લગાવવાથી રૂઝ આવે છે. શરદીથી છૂટકારો મેળવવા માટે સવાર સાંજ 5-5 ખજૂર ખાઈને થોડું ગરમ પાણી પીઓ. આનાથી ફેફસામાં જમા થયેલો કફ પીગળીને નીકળી જાય છે. ખજૂરના ઠળિયાનો સુરમો આંખોમાં લગાવવાથી આંખોના રોગ દૂર થાય છે. ખજૂરના ઠળિયાને બાળીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને 2-2 ગ્રામની માત્રામાં દિવસમાં ત્રણ વખત ઠંડા પાણી સાથે સેવન કરવાથી વારંવાર થતા અતિસાર બંધ થાય છે.
શાકાહારીઓએ ખજૂર અને દૂધનો નાસ્તો અચૂક કરવો જોઈએ. એમાં રહેલું આયર્નનું ભરપૂર પ્રમાણ શરીરનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે. એની સાથે દૂધ લેવાથી ખજૂર શરીરમાં બરાબર શોષાય છે એટલે એમાં જે પણ પોષક તત્ત્વો છે એનો પૂરેપૂરો લાભ શરીરને મળે છે. શિયાળામાં થતી શરદી, બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવી તકલીફો સામે રક્ષણ મેળવવા ખજૂર રામબાણ ઇલાજ છે. ડાયાબિટીસના પેશન્ટ પણ દિવસમાં બેથી ત્રણ ખજૂર ખાય તો નુકસાન નથી થતું.’

નિયમિત ખજૂરનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને જે લોકોના શરીરમાં લોહીની ઊણપ હોય તેવા લોકોને તો દરરોજ 4-5 ખજૂર ખાવી જ જોઈએ.
કાયમની કબજિયાત હોય તો રોજ રાતે સૂતી વખતે ચારથી પાંચ પેશી ખજૂર ધોઈ ઠળિયા કાઢી એમાં થોડુંક ગાયનું ઘી ભરીને ચાવી-ચાવીને ખાવી.

અરબસ્તાનના લોકોનો મુખ્ય ખોરાક ખજૂર હોય છે. એ લોકોની હાઇટ અને બાંધો કદાવર હોય છે એનું કારણ ખજૂર છે. જો માબાપની હાઇટ ઓછી હોય અને બાળકનો વિકાસ મંદ હોય તો બાળક રમતું થાય ત્યારથી જ ખજૂરપાકના ટુકડા સવાર-સાંજ આપવાનું શરૂ કરવું. જો ખજૂરપાક ન બનાવી શકાય તો ખજૂરના ઠળિયા કાઢી એમાં છલોછલ ઘી ભરીને રાખવું. રોજ આવી બેથી ત્રણ પેશી ખજૂર સવારે ઊઠીને નરણા કોઠે ચાવી-ચાવીને ખાવાથી હાઇટ અને વેઇટ બન્ને વધે છે.
હૃદયરોગની તકલીફ હોય તો રોજ સવારે ચારથી પાંચ પેશી ઠળિયા કાઢેલા ખજૂરની સાથે ગુલકંદ કે આમળાનો ચ્યવનપ્રાશ ખાવો. એના પર સૂંઠવાળું એક કપ દૂધ પીવાથી હૃદયની સાથે સંકળાયેલી શિરાઓ અને ધમનીઓ મજબૂત બને છે. આને કારણે હૃદયનું પમ્પિંગ સુધરે છે અને લોહીનું પ્રસરણ કરવાની શક્તિ નિયમિત બને છે. કિડનીની તકલીફ હોય અથવા તો યુરિનમાં ખનિજતત્ત્વો જતાં હોય કે હાથે-પગે સામાન્ય સોજા વર્તાતા હોય તો રોજ રાતે ચારથી પાંચ પેશી ખજૂર ગાયના દૂધ સાથે ચાવી-ચાવીને ખાવામાં આવે એ જરૂરી છે.

પ્રકૃતિએ ખજૂર ઠંડી, રસમાં તથા પાકમાં મધુર, સ્નિગ્ધ, રુચિ ઉત્પન્ન કરનાર છે, જે હૃદયને હિતકારી અને પાચનમાં થોડી ભારે પુષ્ટિ કરનાર, ઝાડાને રોકનાર, વીર્યને વધારનાર અને બળ આપનાર છે. મહાત્મા ગાંધી ખજૂરને પસંદ કરતા હતા. મુસ્લિમ સમુદાયમાં રમજાન માસ દરમિયાન દિવસભરના રોજા (ઉપવાસ)થી આખો દહાડો પાણી કે ખોરાક વિના કાઢવાથી ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય છે, જેનાથી અશક્તિ, થાક લાગે છે. આથી તેની કમી પૂર્ણ કરવા ઇસ્લામ બિરાદરો ધાર્મિક મહત્ત્વ આપી બે-પાંચ પેશી ખજૂર ખાધા પછી રોજો છોડે છે! જેથી શરીરની ત્વરિત શક્તિ મળે છે, જે શક્તિ પ્રદાન કરનાર ગ્લુકોઝની ગરજ સારે છે.

ખજૂરની પાંચથી છ જાત છે. સારી ક્વોલિટીની ખજૂરમાં ઠળિયા નાના હોય છે અને ખજૂર રસદાર હોય છે. સૌથી શ્રેષ્ઠ ‘અજવા’ નામની ખજૂર ગણાય છે. સસ્તી અને સારી તથા ગુણકારી હોવાથી હિન્દુઓ હોળી-ધુળેટી અને મુસ્લિમ બિરાદરો રમજાન માસમાં ખજૂરને ધાર્મિકતાનું રૂપ આપે છે. શરીરને ત્વરિત પુરક બળ આપવા જાદુઈ ખજૂરને સમયાંતરે ખાવાથી અનેકાનેક ફાયદા છે અને અને તેની કિંમત પણ બધાને પોસાય તેમ છે. તો ખજૂરની એકાદ પેશી નિત્ય – નિરંતર ખાવાની ટેવ પાડીશું. વેલકમ ટુ… ડેટ…

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.