આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આશાબહેન પંડ્યાનું સન્માન કરાયું 

 

ગાંધીનગરઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પ્રસંગે શહેરના જાણીતા ઉદ્‌ગમ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ૧૩મા ઉદગમ વુમન એચિવર્સ એવોર્ડ્સ સમારોહમાં વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવી, મહિલા સશક્તિકરણમાં સતત કાર્યરત રહેલી ૩૦ મહિલાઓ અને એક પુરૂષના સત્કાર, અભિવાદન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદ્‌ગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાર વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સતત તેરમા વર્ષે ઉદ્‌ગમ ચેરીટેબલ ટ્રસ્ટે ઉદ્ગમ ટ્રસ્ટી ઉષાબહેન જોષીની સ્મૃતિમાં ઉષાપર્વનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જેમાં, સ્વદેશી અને રાષ્ટ્રવાદી સેવાકીય સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબના પૂર્વ ચેરમેન અને ગાંધીનગરના મહિલા આગેવાન આશાબહેન હિતેષભાઈ પંડ્યાને ર ૨ ફ ઇઝ એનાયત થયો હતો. 

ગુજરાતમાં લગભગ ૭૦ ક્લબો ધરાવતી સ્વદેશી –રાષ્ટ્રવાદી સેવાકીય સંસ્થા ઇન્ડિયન લાયન્સ ક્લબનું નેતૃત્વ આશાબેન છેલ્લા ૨૦ વરસથી કરી રહ્યાં છે. ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ, ગાંધીનગરના સ્થાપકોમાંના એક હાલમાં ૭૧ વર્ષની વયે “જહાં ચાહ વહાં રાહ’ વિચારને વરેલાં સતત કાર્યશીલ એવાં આશાબેન પંડ્યાએ મુંબઈ યુનિવર્સિટીની ભવન્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં બીએની પદવી હાંસલ કરી છે. વર્ષ ૧૯૭૬માં હિતેષભાઈ પંડ્યા સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ પતિના કાર્યક્ષેત્રને અનુરૂપ ગુજરાતના રાજકોટમાં વસ્યાં અને ત્યારબાદ ગાંધીનગરમાં સ્થાયી થયાં. 

તેમનાં રાજકોટનાં વસવાટ દરમિયાન મીડિયા કન્સલ્ટન્સી દ્વારા સૌરાષ્ટ્રની વિવિધ બ્રાન્ડને નામના અપાવવામાં સિંહફાળો આપ્યો. ઈવેન્ટ મેનેજમેન્ટથી આપણે અજાણ હતાં તેવા સમયે વિવિધ રચનાત્મક વિચારોને અમલમાં લાવી રંગારંગ કાર્યક્રમો સફળતાપૂર્વક પાર પાડનારા આશાબેને સેવા-સંસ્કૃતિ ક્ષેત્રે પણ યોગદાન પૂરું પાડ્યું છે. લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ અને ઈન્ડિયન લાયન્સના સક્રિય સભ્ય તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવનારાં આશાબેને વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૧૮ સુધી સ્વદેશી વિચારધારા ધરાવતા ઈન્ડિયન લાયન્સ ક્લબના નેશનલ વાઈસ ચેરપર્સન તરીકેની જવાબદારી નિભાવી. ત્યારબાદ, તેઓ વર્ષ ૨૦૧૯-૨૦માં આ સંસ્થાના નેશનલ ચેરપર્સન બન્યાં અને વિવિધ કાર્યક્રમને સફળતાભેર પાર પાડ્યાં. 

સેવાકીય ક્ષેત્ર ઉપરાંત પતિ હિતેષભાઈના જીવનસંગીની તરીકે આશાબહેન પરિવારના પણ માર્ગદર્શક બની રહ્યા. મુખ્યમંત્રીના પીઆરઓ તરીકે ફરજ બજાવી રહેલા અને સમસ્ત ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના પ્રમુખ હિતેષભાઈ સાથેની જીવનયાત્રા દરમિયાન સામાજિક ક્ષેત્રે હાલમાં સક્રિય રહેલા આશાબેન એક સ્ત્રી, ફક્ત પરિવાર જ નહિ, પરંતુ દરેક મોરચે પુરૂષ સાથે ખભે-ખભા મિલાવતાં જીવનની રાહ કંડારી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે. 

ઉદ્‌ગમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરીને જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં મહિલાઓનું સન્માન કરવાની પ્રણાલીને વિશિષ્ટ રીતે આગળ ધપાવવા માટે ઉદ્‌ગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડ એ જે-તે ક્ષેત્રોમાં મહિલાઓના અથાગ પ્રયાસો તથા વિશિષ્ટ યોગદાન બદલ બહુમાન કરવાનો નમ્ર પ્રયાસ છે. 

સમારંભના મુખ્ય મહેમાનપદે ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને યુવા બિજેપીના રાજય -પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ, ગુજરાતના બ્રિટીશ હાઈકમિશનના ડેપ્યુટી કમિશનર પીટર કૂક, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. હિમાંશુ પંડયા, પ્રસિદ્ધ રિયલ એસ્ટેટ ડેવલપર એન. કે. પટેલ, હાર્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન ડો. નિતીશ શાહ અને પી. સી. સ્નેહલ ગ્રુપના ચિરંજીવ પટેલ સાથે ઉદ્‌ગમના ટ્રસ્ટી એડવોકેટ હિતેશ્વરી જોષી ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here