આંતરરાષ્ટ્રીય દબાણ સામે પાકિસ્તાન ઝુક્યુંઃ કુલભુષણનો અપીલનો માર્ગ મોકળો

 

ઈસ્લામાબાદઃ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતનાં દબાણ સામે આખરે નમી પડેલાં પાકિસ્તાને જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય અદાલતના નિર્ણય અનુસાર, પાકિસ્તાને કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે સંસદનાં સંયુક્ત સત્રમાં એક વિધેયક પસાર કર્યું છે. આમ હવેથી કુલભૂષણ ઉચ્ચ અદાલતોમાં પોતાની સજાને પડકારતાં અપીલ કરી શકશે. 

અગાઉ અદાલતે ભારતની રાજદ્વારી પહોંચ આપવાની પણ પાકિસ્તાનને તાકિદ કરી હતી. સૈન્ય અદાલત તરફથી મોતની સજાનો સામનો કરી રહેલા જાધવને અપીલ કરવાનો નહોતો. જેના કારણે આંતરરાષ્ટ્રીય અદાલતે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. ભારતીય નૌકાદળના નિવૃત અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાની સૈન્ય અદાલતે જાસૂસી, આતંકવાદના આરોપો હેઠળ એપ્રિલ-૨૦૧૭માં મોતની સજા સંભળાવી હતી. 

ભારતનાં વિદેશ મંત્રાલયે ૧૦મી એપ્રિલ ૨૦૧૭ના દિવસે એક નિવેદન જારી કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને ઈરાનમાંથી કુલભૂષણ જાધવનું અપહરણ કર્યું છે. કુલભૂષણ ત્યાં જાસૂસી કરી રહ્યો હતો, તેવો પાકિસ્તાન પાસે કોઈ પુરાવો નથી. તેવું કહેતાં ભારતે પાકિસ્તાનના પગલાંને આંતરરાષ્ટ્રીય અદાલતમાં પડકાર્યાં હતાં. પાકિસ્તાનનાં જાસૂસીવાળા આરોપો નકારી દેતાં ભારતે જણાવ્યું હતું કે નૌકાદળમાંથી નિવૃત થયા પછી જાધવ વેપારીની હેસિયતથી ઈરાન ગયા હતા. આ રાહતથી જાધવ પરિવારને તેમની વાપસીની ઉમ્મિદ બંધાઈ છે. ભારતની આ સફળતા મહત્ત્વની મનાય છે.