આંખમાં જોવા મળતો કંજકટીવાઇટિસ પણ કોરોના વાઇરસ હોઈ શકે

 

સુરતઃ ઘણા લોકો એવું માને છે કે, ખાંસી, શરદી, તાવ, માથા અને હાથ-પગનો અતિશય દુઃખાવો હોય તેવા દર્દીઓના લક્ષણો કોરોના વાઇરસના માનવામાં આવે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન સહિતની સંસ્થાઓ અને આઇ સ્પેશ્યલિસ્ટોએ એવું સંશોધન રજૂ કર્યું છે કે, આંખમાં જોવા મળતો કંજક્ટીવાઈટિસ પણ કોરોના વાઇરસ હોઇ શકે છે. અત્યારે જેમને કંજક્ટીવાઈટિસ થયો હશે તેઓ કોરોના કેરીયર પણ હોય શકે છે. તેથી આવા દર્દીઓએ તાત્કાલિક રીતે આંખોના રોગોના નિષ્ણાંત તબીબોની સારવાર લેવી. સુરત શહેરના જાણીતા આઇ સ્પેશ્યલિસ્ટ ડો. સાહિલ ફિરશ્તાએ જણાવ્યું હતું કે, ઘણા લોકોને ખબર નથી કે, આંખના માધ્યમથી પણ કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશી શકે છે. 

અત્યારે નવું સંશોધન એ ધ્યાનમાં આવ્યું છે કે, કંજક્ટીવાઈટિસ પણ કોરોના વાઇરસનો કેરિયર હોઇ શકે છે. તે જોતા લોકો હાથનો ઉપયોગ મોંઢા અને આંખ માટે શકય હોય ત્યાં સુધી ટાળે. ખાસ કરીને જે લોકો કોન્ટેક લેન્સ પહેરે છે તેઓ કોરોના ક્રાઇસીસ સુધી લેન્સ પહેરવાનું ટાળી નંબરવાળા ચશ્મા પહેરે તે હિતાવહ છે. સતત હાથને સેનેટાઇઝરથી સાફ કરતા રહે. સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગરમીના પ્રારંભ સાથે આંખોમાં કંજક્ટીવાઈટિસના કેસ પણ જોવા મળ્યા છે. તે ઉપરાંત આંખ દુખવી અને પ્રેશર વધવાની ફરિયાદ પણ દર્દીઓ કરી રહ્યા છે.