અહિંસક આંદોલનોમાં જૈન સમાજ ભાગ ભજવતો નથીઃ ડો. કુમારપાળ દેસાઈ

 

અમદાવાદઃ ઇનિ્સ્ટટ્યૂટ ઓફ જૈનોલોજીની આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિમાં જાણીતા લેખક, લંડનના મહાવીર ફાઉન્ડેશનના અગ્રણી વિનોદ કપાસીએ વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે હવે જૈન સમુદાયને માટે પોતાના પ્રશ્નો વિશે સહિયારો વિચાર કરવાનો સમય આવી ચૂક્યો છે, જેમ રાજકારણમાં યહૂદી લોકો પોતાનું વર્ચસ્વ ધરાવે છે, તેવી રાજકીય જાગૃતિ પણ સમાજમાં લાવવાની જરૂર છે. 

જૈન સમુદાયની આવતીકાલ વિશે તેમણે કહ્યું હતું કે મોડર્ન ટેક્નોલોજીનો આપણે ઉપયોગ કરતા નથી અને એને પરિણામે આજે સમગ્ર વિશ્વમાં જૈન વિચારધારાનો પરિચય મેળવવો અન્ય લોકો માટે મુશ્કેલ છે, એ વિશે ગંભીર પ્રયત્નો થવા જોઈએ. જૈન ધર્મ લોજિકલ છે, વૈજ્ઞાનિક છે અને આવતીકાલના પ્રશ્નોનો જવાબ આપી શકે એમ છે. 

અગ્રણીય સાહિત્યકાર, સંગોષ્ઠિના પ્રમુખ ડો. કુમારપાળ દેસાઈએ કહ્યું હતું કે જૈન તત્ત્વજ્ઞાનનાં શાશ્વત તત્ત્વોનો વધુ ને વધુ પ્રસાર કરવાની જરૂર છે. અહિંસા પરમધર્મ છે, પણ અહિંસક આંદોલનોમાં જૈન સમાજ અગ્રણી ભાગ ભજવતો નથી. વિશ્વના પર્યાવરણના પ્રશ્નો અંગે જૈન સમાજે એની વિચારધારા જગતને આપવી જોઈએ, જે અત્યંત સૂક્ષ્મ-દૂરદર્શી છે. માનવચિત્તની શાંતિ માટે સામાયિક કે માનવજગતની શાંતિ માટે અનેકાંતવાદનો પ્રચાર કરવો જોઈએ. ન્યુ જર્સીમાં રહેતા જૈન ધર્મના અગ્રણી ચંદ્રકાન્ત મહેતાએ કહ્યું હતું કે કર્મવાદ એ જૈન ધર્મની વિશિષ્ટ ધરોહર છે, આપણા ધર્મોની અને વર્તમાન જીવનમાં પ્રશ્નોની સાચી સમજ ‘કર્મ કેમ નડે છે’ એ સમજ મેળવી શકીએ. જ્યારે અમેરિકાના જૈન સમાજના પૂર્વ પ્રમુખ દિલીપ શાહ એક છત્ર હેઠળ જૈન સમાજ વિશે વાત કરતાં કહ્યું હતું કે હવે જૈન ડાયસ્પોરાનો સમય પાકી ચૂક્યો છે. અમેરિકા, ઇંગ્લેન્ડ અને જુદા જુદા દેશોમાં જૈનો વસે છે, તેમનો બૌદ્ધિક ઉપયોગ અને ભારતમાં રહેલી જૈન સંસ્કૃતિનો ઉપયોગ કરીને પરસ્પર આદાનપ્રદાન કરવાની જરૂર છે. આ પ્રસંગે જીતોના ચેરમેન  જિગીશભાઈ શાહે સંગોષ્ઠિનું ઉદ્ઘાટન કર્યું હતું કે નાની વયે ધર્મના સંસ્કારો મળે તો એ જીવનભર જળવાઈ રહેશે. અહિંસા, અપરિગ્રહ ને અનેકાંતવાદ જેવી જૈન ધર્મની વિચારધારાએ દેશને આઝાદી અપાવી છે અને નવો પ્રકાશ અપાવી શકે છે. વિનોદ કપાસીના અંગ્રેજીમાં લખાયેલા ‘ભક્તામર સ્ત્રોત્ર’ પુસ્તકનું હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સુબોધભાઈ શાહે વિમોચન કર્યું હતું. શ્રીયાંકભાઈ શેઠ, અરવિંદભાઈ બારોટ, રાજીવ શાહ ને અન્ય મહાનુભાવોએ હાજર રહીને ભવિષ્યમાં જુદા જુદા દેશોમાં ફેલાયેલા જૈન પ્રતિનિધિઓને એકત્ર કરીને જૈન ડાયસ્પોરાની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો.