અષાઢી બીજે રથયાત્રા યોજાય તેવી સંભાવનાઃ ત્રણ રથ સવારે ૭ વાગ્યે પરંપરાગત રીતે નીકળશે

 

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ૯૦થી પણ નીચે ઊતરી જતાં હવે અમદાવાદમાં આગામી અષાઢી બીજ-૧૨મી જુલાઈના રોજ જમાલપુરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા નીકળે તેવી પૂરેપૂરી સંભાવના છે. બુધવારે ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ છે.

જો કે, રથયાત્રમાં માત્ર ત્રણ રથ અને બે પ્રસાદીની ટ્રકોને મંજૂરી સાથે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ સવારે ૭ વાગ્યે નીકળશે. તે પછી સરસપુરમાં મોસાળમાં ૧૦ મિનીટનો વિરામ કરીને પરંપરાગત માર્ગ પર થઈને બપોરે ૧૨ વાગ્યે જ ત્રણેય રથ મંદિરે પરત આવી જાય તેવી તૈયારી ચાલી રહી છે. જમાલપુરમાં હાલમાં ભગવાન જગન્નાથજી મંદિર રથયાત્રાની પૂર્ણ તૈયારી ચાલી રહી છે. અષાઢી બીજે છેલ્લાં કેટલાંક વર્ષોની પરંપરા મુજબ કેનિ્દ્રય ગૃહમંત્રી અમીત શાહ પણ અમદાવાદ આવશે. એટલું જ નહીં મંગળા આરતીમાં પરિવાર સાથે ભાગ લેશે. તે પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પહિન્દ વિધિ પણ કરશે. એટલુ જ નહીં ભગવાનના રથને ખેંચીને રથયાત્રાનો આરંભ કરાવશે. સવારે રથ ખેંચવા માટે ખલાશી ભાઈઓને રસી આપવા માટે તૈયારી ચાલી રહી છે. અંતે બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ત્રણેય રથ નીજ મંદિરે પરત આવી જાય તેવી તૈયારી કરાઈ રહી છે. ભક્તોને પણ બહાર નીકળીને ભગવાનનાં દર્શન કરવાની બાબત પર નિયંત્રણ રહેશે. જેના કારણે કોરોનાનું સંક્રમણ ઓછું થાય.