અશ્વેત  નાગરિક જયોર્જ ફલોયડની હત્યાનો મામલો વણસી રહ્યો છે, અમેરિકામાં ઘટનાને 8 દિવસ વિત્યા બાદ પણ ઠેર ઠેર વિરોધ – પ્રદર્શનો જારી છે…

તાજેતરમાં કેલિફોર્નિયાના લોસ એન્જલસનાં કરફયુ દરમિયાન નેશનલ ગાર્ડની હાજરીમાં લોકોએ શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા. લોસ એન્જલસમાં લોકો પોસ્ટરો સાથે મૌન વિરોધ કરી રહ્યો છે. રેલીમાં સેંકડો લોકોની હાજરી હતી. લોકો પોલીસ હેડકવાર્ટર્સ અને સિટી હોલની સામે પણ દેખાવો યોજ્યા હતા. દેશના કુલ 40 જેટલા શહેરોમાં હાલ કરફયું લાદવામાં આવ્યો છે. અશાંત પરિસ્થિતિ અંગે પ્રતિભાવ આપતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અબ્રાહમ લિંકન પછી  મેં જ અશ્વેત સમુદાયના ઉત્કર્ષ માટે સૌથી વધુ કામ કર્યુ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પક્ષના પ્રમુખપદના ઉમેદવાર જો બિડેન પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેમમે 40 વરસ દરમિયાન અશ્વેત સમુદાય માટે કશું જ કર્યું નથી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, મેં અશ્વેત સમુદાયના માટે બહુ જ કામ કર્યું છે. અશ્વેત માટે કોલેજ ફંડની ગેરન્ટી, ક્રિમિનલ જસ્ટિસ રિફોર્મ- વગેરે મારા શાસનકાળમાં જ લાવવામાં આવ્યો હતો. જેને કારણે અમેરિકાના અશ્વેત સમુદાયમાં બેરોજગારી, ગરીબી અને અપરાધનો દર ઘટ્યો છે.