અવિચલદાસજી મહારાજ સાધુ દીક્ષા સુવર્ણ જયંતી મહોત્સવઃ ૨૧મા કૈવલ સમૂહલગ્નોત્સવ યોજાયો

સારસાઃ આણંદ જિલ્લાના સારસા ગામે વિવિધ જ્ઞાતિઓના ગરીબ પરિવારની ૬૫ કન્યાઓના ૨૧મા સમૂહલગ્નની પૂર્ણાહુતિ થઈ હતી, એની સાથે અત્યારસુધીમાં અંદાજે ૧૮૦૦થી વધુ કન્યાઓનાં લગ્ન કરાવાયાં હોવાનું જણાવી આચાર્ય અવિચલદાસજી મહારાજે સમાજના દરેક વર્ગનાં મા-બાપે સમૂહલગ્નનાં આયોજનોમાં જ પોતાનાં સંતાનોને પરણાવવાનો અભિગમ રાખવાની હાકલ કરી હતી અને લગ્ન પ્રસંગે કન્યાઓને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજના પ્રમાણે અપાતી ભેટની રકમ ૨૦,૦૦૦થી વધારવી જોઈએ. ગોવા જેવી નાનકડી સરકાર લગ્ન પ્રસંગે કન્યાને એક લાખ રૂપિયાની ભેટની રકમ આપે છે. આ પ્રસંગે ગુજરાત તરફથી મળતી ભેટ અગ્રણી સરકારી અધિકારીઓએ દરેક કન્યાને અર્પણ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન ઝુલાસણનાં (બોસ્ટન યુ.એસ.એ.) અંજનાબહેન તથા દિનેશભાઈ પટેલ હતાં. પોતાના સુખમય લગ્નજીવનની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે તેઓ આ લગ્નોત્સવનાં મુખ્ય યજમાન બન્યાં હતાં. આ પ્રસંગે ગોવાથી પદ્મનામ પીઠાધીશ્વર આચાર્યશ્રી બ્રહ્મેશાનંદજી મહારાજ અને શ્રી બ્રાહ્મીદેવી ઉપસ્થિત રહ્યાં હતાં. આ લગ્નોત્સવમાં વિદુષી ગીતાદીદીએ સહુને માર્ગદર્શન સાથે આશીર્વાદ આપ્યા હતા.
ઇશાની દવેનું ‘વધાવો’ લગ્નગીત સાતમી જાન્યુઆરીએ રિલીઝ થયું
અમદાવાદઃ સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવે અને ભારતી કુંચાલાની પુત્રી ઇશાની દવેએ ફક્ત ૧૨ વર્ષની ઉંમરે પિતા સાથે રોયલ આલ્બર્ટ હોલ લંડનસ્થિત પ્રથમવાર સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયામાં સાઉન્ડ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી ભારત પરત આવી અને ચેન્નઇમાં સંગીતકાર એ. આર. રહેમાનની કેએમ સંગીત સંરક્ષકમાં જોડાઈ. ત્યાર બાદ તેણે સ્ટેજ શો અને સંગીતમાં સ્થાન બનાવવાનું શરૂ કર્યું. યુટ્યૂબ પર તેનું પહેલું ગીત ‘ખમ્મા ઘણી…’ જે ભાઈ અને બહેનના સંબંધ પર આધારિત હતું. તેણે ‘ગુલાબી’, ‘ગરબડીઓ’, ‘પાપા પગલી’ જેવાં હિટ ગીતો આપ્યાં છે. તેણે તેના સોંગ ‘ગુલાબી’ માટે વર્ષની શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો અવોર્ડ મેળવ્યો છે. ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે ‘ચાલો આપણે થોડા ગુજરાતી બનીએ’ કોન્સેપ્ટ અંતર્ગત એક પહેલ શરૂ કરી છે. સંગીતની દુનિયાના બહારના ઘણા બધા લોકો વિવિધ સ્થળોએથી જોડાઈને ફાળો આપી રહ્યા છે. આ દુનિયાના કોઈપણ ગુજરાતી માટે ગર્વની વાત છે. તેનું આ અભિયાનનું પહેલું ગીત છે ‘વધાવો’ જે સાતમી જાન્યુઆરીએ રિલીઝ થયું છે. આ એક લગ્નગીત છે.