અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો ફિલ્મ ‘સેલ્યુટ’માં હિરોઇનનો રોલ નામ પૂરતો

શાહરુખ ખાનની આગામી ફિલ્મ સેલ્યુટમાં હિરોઇનનો રોલ ફક્ત નામ પૂરતો હશે. આ ફિલ્મ દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ છે. અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો, પરંતુ પાછળથી તારીખો નથી એવા બહાના હેઠળ એણે આ ફિલ્મ છોડી દીધી હતી અને શાહરુખનું નામ સૂચવ્યું હતું. શાહરુખે આ ફિલ્મ સ્વીકારી હતી એટલે ફિલ્મમાં આમિર ખાન સાથે ચમકનારી પ્રિયંકા ચોપરાનો એકડો નીકળી ગયો હતો. કરીના કપૂરનો પણ આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે ઉલ્લેખ થયો હતો, પરંતુ કરીનાએ આ ફિલ્મ નકારી કાઢી હતી. આ ફિલ્મ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ છે એટલે કે એની કથા પુરુષપ્રધાન છે અને એમાં રાકેશે અવકાશયાત્રી તરીકે કેવી તૈયારી કરી વગેરે બાબતો મુખ્યત્વે દર્શાવવાની હોવાથી એટલે આ ફિલ્મમાં હિરોઇનનું બહુ મહત્ત્વ રહેતું નથી એવી દલીલ હેઠળ ફિલ્મના સર્જકોએ પટકથાલેખકને હિરોઇનના પાત્રને ટૂંકાવીને નવેસર સ્ક્રિપ્ટ મઠારવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે. હવે એ જોવું રસપ્રદ છે કે કઈ હીરોઇન આ ફિલ્મ સ્વીકારે છે અને ફિલ્મસર્જક કોની પસંદગી કરે છે.