
અલ્જીયર્સઃ આફ્રિકી દેશ અલ્જીરિયામાં લશ્કરી વિમાન તૂટી પડતાં લશ્કરી જવાનો અને તેમના પરિવારજનો સહિત કુલ 257 નાગરિકો માર્યા ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકોમાં 10 ક્રૂ મેમ્બર્સ અને 247 પ્રવાસીઓ હતા. આ પ્રવાસીઓમાં લશ્કરી જવાનો અને તેમના પરિવારજનો હતા. ઘટનાની જાણ થતાં 14 એમ્બ્યુલન્સો અને 10 ફાયરબ્રિગેડની ટ્રકો ઘટનાસ્થળે તત્કાલ પહોંચી ગયાં હતાં.
અલ્જીરિયાના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ વિમાનમાં સવાર તમામ પ્રવાસીઓ માર્યા ગયા હતા. રશિયન બનાવટનું ઇલ્યુશિન આઇઆઇ-76 વિમાન દક્ષિણ-પશ્ચિમ અલ્જીરિયાના ટિંડોફ જવાનું હતું. અલ્જીરિયાના રાજધાની અલ્જીર્સથી 25 કિલોમીટર દૂર આ દુર્ઘટના બની હતી. બૌફારિક મિલિટરી એરપોર્ટ પાસે જ આ દુર્ઘટના થઈ હતી. પ્લેનથી આ એરપોર્ટનો રનવે પણ ખૂબ નજીક હતો. ટિંડોફમાં પશ્ચિમ સહારાથી આવનારા અનેક શરણાર્થીઓ વસે છે. આ ક્ષેત્ર મોરોક્કોએ કરેલા કબજાના કારણે વિવાદિત છે. આ દુર્ઘટનાના કારણ અંગે કોઈ માહિતી સ્પષ્ટ થઈ નથી.