અલીગઢમાં ઝીણાની છબિના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાયું-

0
1069


ભારતની રાજધાની નવી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલા પાકિસ્તાનના હાઈકમિશનમાં તેમના દેશના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાની ભવ્ય તસવીરોની સાક્ષીએ યોજાતી ઉજવણીઓમાં વર્તમાન ભારત સરકારના મંત્રીઓ પ્રકાશ જાવડેકર, જનરલ વી. કે. સિંહ, ગજેન્દ્રસિંહ શેખાવત સહભાગી થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર પાકિસ્તાનના વડા પ્રધાન સાથેની એમની એકથી વધુ તસવીરો ઝળકે છે, એટલું જ નહિ, લાહોર જઈને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફને જન્મદિનની મુબારકબાદી આપવાના પ્રસંગે બન્ને દેશના વડા પ્રધાનોની છબિઓ સામે ભાગ્યે જ કોઈ ઊહાપોહ થાય છે. જોકે ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં આવેલી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ)ના વિદ્યાર્થી ખંડમાં 1938માં મુકાયેલી બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાની તસવીરના મુદ્દે પેટ ચોળીને શૂળ ઊભું કરાઈ રહ્યું છે. ઇતિહાસના વિવાદો તાજા કરીને વર્તમાનની સમસ્યાઓથી લોકોનું ધ્યાન અન્યત્ર હટાવવાની રાજકીય તરકીબો પ્રજાને મૂરખ બનાવવાની કવાયતથી વિશેષ નથી.
આ એ જ અલીગઢ છે જ્યાંથી ચૂંટાયેલા ભાજપી ધારાસભ્ય કલ્યાણસિંહ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા અને અત્યારે રાજસ્થાનના રાજ્યપાલ છે. તાજેતરમાં જ અલીગઢના ભાજપી સાંસદ સતીશ ગૌતમ છાત્ર સંઘના ખંડમાં ઝીણાની તસવીર કેમ છે, એવો પ્રશ્ન કરીને સમગ્ર વિવાદને વકરાવે છે. આવા અટકચાળા કરવા પાછળ દેશની વિશ્વવિખ્યાત શિક્ષણ સંસ્થામાં વાતાવરણને ધાર્મિક વિભાજન ભણી ધકેલવાની બાલિશ કોશિશ છે. કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય છે. હકીકતમાં 1938માં એટલે કે આઝાદી પહેલાં એક છબિ મુકાઈ હતી, એને કેમ મુકાઈ એનો તર્ક શોધવાને બદલે વાતાવરણ કોમી રંગ પકડે છે. રાષ્ટ્રવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિના આક્ષેપ-પ્રતિઆક્ષેપ થવા માંડે છે. જે ખંડમાં ઝીણાની તસવીર છે, એમાં જ મહાત્મા ગાંધી, સી. રાજગોપાલાચારી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ સહિતના આજીવન સભ્ય એવા નેતાઓની પણ તસવીરો છે. ઝીણાની છબિ દૂર કરવાના મામલાને હિંસક અથડામણ સુધી લઈ જવાને બદલે સમજદારીથી અને સંવાદથી ઉકેલવાની જરૂર હતી.
ઝીણાનો એએમયુ સાથે શો સંબંધ?
છેક 1877માં સર સૈયદ એહમદ ખાં થકી ઓક્સફર્ડની ભૂમિકા પર, રાજા જય કૃષ્ણના જમીનદાનથી, અલીગઢમાં મુસ્લિમોને આધુનિક શિક્ષણ મળે એ હેતુસર સ્થપાયેલી મુહમ્મદન એંગ્લો ઓરિયેન્ટલ કોલેજ સમયાંતરે 1920માં એએમયુમાં રૂપાંતરિત થઈ. આઝાદી પછી ભારત સરકાર એનું સૂત્રસંચાલન કરતી રહી છે. મહામના પંડિત મદન મોહન માલવિયાએ 1904માં કાશીનરેશ વિષ્ણુ નારાયણ સિંહ અને દરભંગા નરેશ રામેશ્વર સિંહ સહિતના નાના-મોટા દાતાઓના પ્રારંભિક સહયોગથી અને એની બેસન્ટની સેન્ટ્રલ હિંદુ કોલેજ પંડિત માલવિયાને સુપરત કરાતાં 1916માં બનારસમાં સ્થાપેલી બનારસ હિંદુ યુનિવર્સિટી (બીએચયુ) પણ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજની ભૂમિકા પર વિશ્વમાં પ્રસિદ્ધ એવી શિક્ષણ સંસ્થા બની. આઝાદી પછી ભારત સરકાર એનું સંચાલન કરતી રહી છે. નેહરુ સરકારમાં શિક્ષણમંત્રી રહેલા અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના સંસ્થાપક એવા જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાએ યુનિવર્સિટીઓને ધર્મનિરપેક્ષ સ્વરૂપ આપવા માટે એએમયુ અને બીએચયુના નામમાંથી મુસ્લિમ અને હિંદુ શબ્દને દૂર કરાવવાની સંસદમાં કોશિશ કરી જોઈ હતી, પણ એમાં એમને સફળતા મળી નહિ હોવાનું જસ્ટિસ ચાગલાએ પોતાની આત્મકથા ‘રોઝીઝ ઇન ડિસેમ્બર’માં વિગતે નોંધ્યું છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીની સરકારમાં પણ મંત્રી રહ્યા છતાં 1975-77ની તેમની ઇમર્જન્સીના કટ્ટર વિરોધી એવા મૂળ કચ્છના જસ્ટિસ ચાગલાએ 1980માં મુંબઈમાં ભારતીય જનતા પક્ષના પ્રથમ અધિવેશનમાં નવરચિત પક્ષને આશીર્વાદ આપ્યા હતા. કમનસીબે હજી આજે પણ એએમયુ અને બીએચયુ ધાર્મિક ધોરણે વિભાજિત રાજકારણનો અખાડો બની રહી છે.
ઝીણાએ મુંબઈમાં ઝીણા હાઉસ તરીકે જાણીતા પોતાના નિવાસસ્થાનમાં બેસીને 1939-40માં તૈયાર કરેલા વસિયતનામામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી સહિતની શિક્ષણસંસ્થાઓને પોતાની સંપત્તિમાંથી માતબર રકમના દાનની જોગવાઈ રાખી હતી, એ વાતને વર્તમાન વિવાદમાં ભાગ્યે જ કોઈ યાદ કરે છે. ઝીણાએ એએમયુ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટી અને મુંબઈની અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલ જેવી આજની પ્રતિષ્ઠિત સંસ્થાને પણ માતબર દાન આપ્યું હતું.
મુંબઈમાં આજેય હયાત ઝીણા હાઉસ
અને ઝીણા હોલ
અલીગઢમાં ઝીણાની એક તસવીર નિમિત્તે વિવાદ કરીને આખી યુનિવર્સિટીને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિનો અડ્ડો જાહેર કરવાનાં અટકચાળાં કરવામાં આવતાં હોય તો મુંબઈમાં તો ઝીણાનું ભવ્ય નિવાસસ્થાન આજેય ઊભું છે. વળી, ભડકમકર માર્ગ (અગાઉના લેમિંગટન રોડ) પર આવેલા કોંગ્રેસ હાઉસમાં ઝીણા હોલ પણ ઊભો છે. ઝીણા અને એમનાં પારસી પત્ની રતનબાઈ ઉર્ફે રુટીના એકમાત્ર સંતાન એવી દીના વાડિયાના દીકરા અને બોમ્બે ડાઇંગ મિલના માલિક એવા નસલી વાડિયા અને તેમનો પરિવાર પણ મુંબઈમાં રહે છે. ઝીણાની બહેનોના પરિવાર પણ મુંબઈમાં વસે છે. મૂળ સૌરાષ્ટ્રના મોટી પાનેલીના હિંદુ લોહાણા પરિવારના વંશજ એવા મેમદ (મોહમ્મદ) ઝીણાભાઈ પૂંજાભાઈ વાલજીભાઈ ઠક્કર સમયાંતરે પાકિસ્તાનના સર્જક અને બ્રિટિશ ઇન્ડિયાના ભાગલાનું નિમિત્ત બન્યા. એમના દાદાએ ઇસ્લામ કબૂલ્યો હતો અને પરિવાર કરાચી સ્થાયી થયો. મેમદનો જન્મ કરાચીમાં 20મી ઓક્ટોબર, 1875ના રોજ થયાનું તેમની પ્રથમ શાળા સિંધ મદરેસા-તુલ-ઇસ્લામના રજિસ્ટરમાં નોંધાયું છે, જોકે વેપાર માટે મેમદ લંડન ગયા પછી બેરિસ્ટરીનું ભણવા લિંકન્સ-ઈનમાં જતાં નામ અને અટક સાથે જ જન્મતારીખ પણ બદલીને એમ. એ. ઝીણાએ નાતાલથી પ્રભાવિત થઈ 25મી ડિસેમ્બર 1876ને પોતાની જન્મતારીખ નોંધાવી.
કોંગ્રેસી ઝીણા મુસ્લિમ લીગની સ્થાપનાના વિરોધી
બેરિસ્ટર ઝીણા ગાંધીજી કરતાં પણ કોંગ્રેસના સિનિયર આગેવાન રહ્યા, એટલુંજ નહિ, તેઓ મોતીલાલ નેહરુ અને બેરિસ્ટર વિઠ્ઠલભાઈ પટેલના પણ અંગત મિત્ર રહ્યા. 1906માં આગાખાન અને ઢાકાના નવાબના પ્રયાસો અને વાઇસરોયના આશીર્વાદથી મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યારે એનો વિરોધ કરનાર સૌપ્રથમ નેતા ઝીણા જ હોવાનું અને તેમણે મુસ્લિમ લીગને ભારતના ભાગલા પડાવવાની કુટિલ ચાલનો ભાગ ગણાવ્યો હતો, એ એમના મંત્રી રહેલા જસ્ટિસ ચાગલાએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે. ગાંધીજી જાન્યુઆરી, 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા ત્યારે મુંબઈમાં તેમનું સન્માન ગૂર્જર સભાના અધ્યક્ષ તરીકે ઝીણાએ જ ગોઠવ્યું હતું. 1916માં લખનઉમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગના અધિવેશન ટાણે લખનઉ કરાર થતાં લોકમાન્ય ટિળકે ઝીણાને હિંદુ-મુસ્લિમ એકતાના મસીહા ગણાવ્યા હતા. અગાઉ ટિળક વિરુદ્ધના રાજદ્રોહના ખટલામાં બેરિસ્ટર ઝીણા લોકમાન્યના ધારાશાસ્ત્રી પણ રહ્યા હતા. 1917માં ગોધરામાં ગુજરાત રાજકીય પરિષદમાં મહાત્મા અને ઝીણા વચ્ચે મતભેદ ઊભા થયા અને 1920માં નાગપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં ઝીણાએ અપમાનિત થવાના સંજોગો અનુભવ્યા. અલી બંધુઓને લઈને ગાંધીજીએ આદરેલા ખિલાફત આંદોલન સામે ઝીણાનો વિરોધ રહ્યો અને બન્ને વચ્ચે અંતર વધતું ચાલ્યું. જોકે રાષ્ટ્રવાદી ઝીણા પાછળથી મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રના પ્રણેતા બન્યા અને 1947માં પાકિસ્તાન લઈને જ રહ્યા હતા.
મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની
સંયુક્ત સરકારો
મહાત્મા ગાંધીએ તો ભારતના ભાગલા ટાળવા માટે ઝીણાને અખંડ ભારતના પ્રથમ વડા પ્રધાન બનાવવાની દરખાસ્ત પણ કરી હતી. જોકે ભાગલા અટળ બની રહ્યા અને વિભાજને લાખો લોકોની કત્લેઆમ અને હિજરતના સંજોગો સર્જ્યા હતા. ભારતમાં ઝીણા આજેય ખલનાયક લેખાતા હોવા છતાં ભાગલા માટે ઝીણા ઉપરાંત ઘણા બધા નેતાઓ અને પરિબળો જવાબદાર હતાં. અત્યારે રાષ્ટ્રવાદના ઠેકેદાર તરીકે પોતાને ગણાવનારાઓના પુરોગામીઓ કે આસ્થાપુરુષો ક્યારેક ઝીણાની મુસ્લિમ લીગ સાથે બ્રિટિશ હકૂમતની કુર્નિશ બજાવતા હતા, એ ભૂંડો ઇતિહાસ પણ અનુકૂળતાએ વિસારે પડે છે. જયારે 1942ની હિંદ છોડો ચળવળને પગલે મોટા ભાગના કોંગ્રેસી નેતાઓ જેલોમાં બંધ હતા, ત્યારે મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાના નેતાઓ સંયુક્ત સરકારો ચલાવતા હતા. અમદાવાદમાં હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર વિ. દા. સાવરકરે 1937માં પક્ષના અધિવેશનમાં હિંદુ અને મુસ્લિમ માટે દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત રજૂ કર્યો હતો. માર્ચ, 1940માં બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે લાહોરમાં ઝીણાની અધ્યક્ષતામાં મળેલા મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાન ઠરાવ રજૂ કર્યો અને એ એકી અવાજે મંજૂર થયો હતો. આ જ હકની 1941-42ની બંગાળ સરકારમાં, હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર વિ. દા. સાવરકરની સંમતિથી, પક્ષના કાર્યાધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી નાણામંત્રી હતા. એટલું જ નહિ, માર્ચ, 1943માં સિંધની પ્રાંતિક ધારાસભામાં પાકિસ્તાન ઠરાવ મંજૂર થયો ત્યારે સિંધમાં મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાની સરકાર હતી. ત્રણ હિંદુ મંત્રીઓએ એ ઠરાવનો વિરોધ નોંધાવ્યો, પણ રાજીનામાં આપ્યાં નહોતાં. વાયવ્ય પ્રાંતમાં પણ મુસ્લિમ લીગની સરકારમાં હિંદુ મહાસભા ભાગીદાર હતી. એટલું જ નહિ, હિંદુ મહાસભાના અધ્યક્ષ બેરિસ્ટર સાવરકરે પંજાબમાં પણ મુસ્લિમ સાથે સરકાર રચવા પોતાના પક્ષને સંમતિ આપી હતી, પણ એ સરકાર રચાઈ નહોતી. અત્યારે ઝીણાના ફોટાનો પણ વિરોધ કરનારા ભાજપના આદ્યપુરુષો ઝીણાના પક્ષની સાથે અને અંગ્રેજો સાથે સત્તાના ભોગવટા કરતા હતા, એ ઇતિહાસને નકારી શકાય એમ નથી.
લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.