અલાબામામાં કેલોડેટ વાવાઝોડાનો તરખાટ, ૧૨ લોકોનાં મોત

 

અલાબામાઃ અમેરિકાના અલાબામામાં દક્ષિણપૂર્વ વિસ્તારમાં વાવાઝોડાને કારણે ૧૨ લોકોનાં મોત થયા છે. આમાંથી ૧૦નાં મોત તો વાહનો સંભવતઃ વાવાઝોડાને કારણે જ એકબીજા સાથે ભટકાવાને કારણે થયા છે. 

બટલર જિલ્લાના કોરોનર વાઈન ગ્લોલોકના જણાવ્યાં અનુસાર, આંતરરાજ્ય ૬૫ પર મોન્ટગોમરીના દક્ષિણમાં લગભગ ૩૫ માઇલ (૫૫ કિલોમીટર)  દક્ષિણમાં ૧૫ વાહનોના અકસ્માતમાં નવ બાળકો સહિત દસ લોકોનું મોત નીપજ્યું હતું.

આ દુર્ઘટનામાં ૪થી ૧૭ વર્ષના આઠ બાળકોનું મૃત્યુ થયું હતું. શાળાના બાળકોને એક કેમ્પમાંથી પરત લાવતું વાહન અન્ય વાહન સાથે તોફાની વાતાવરણમાં ભટકાઇ પડતા આ બાળકોના મોત નિપજ્યા હતા. તેમજ એક વ્યક્તિ અને ૯ મહિનાના બાળકનું મોત એક અલગ વાહનમાં થયું હતું અને અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

ટસ્કાલૂસા હિંસક ક્રાઇમ યુનિટના કેપ્ટન માર્ટિ સેલર્સે ધ ટસ્કાલૂસા ન્યૂઝને જણાવ્યું હતું કે, ટસ્કાલૂસા શહેરની બહાર શનિવારે ઘરની બાજુ એક ઝાડ પડી જતાં એક ૨૪ વર્ષીય વ્યક્તિ અને એક ૩ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. શનિવારે મોડી સાંજે ઉત્તર અલાબામા અને જ્યોર્જિયામાં ભારે વરસાદના કારણે મોત નીપજ્યાં હતાં.

ઉત્તરીય જ્યોર્જિયા મોટાભાગના દક્ષિણ કેરોલિના, ઉત્તર કેરોલિના દરિયાકાંઠે અને દક્ષિણપૂર્વ અલાબામાના ભાગો અને ફ્લોરિડા પાનાહંડલમાં રવિવારે ફ્લેશ પૂરની સ્થિતિ જોવા મળી હતી. આ પહેલા ક્લોડેટ વાવાઝોડાને કારણે લુસીઆના અને મિસિસિપી રાજયોમાં પૂર આવ્યા હતા.

મિસ્સીસિપ્પીના ગલ્ફ કોસ્ટમાં ૧૨ ઇંચ વરસાદ પડયો હતો. તોફાનને કારણે સૌથી વધુ નુકસાન અલાબામા અને જ્યોર્જિયામાં થયું છે. આ તોફાનની અસર ઉત્તર કોરોલિનાથી લઇને ડક ટાઉન સુધી જોવા મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ ૪૫ કિલીમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

અલાબામાના નોર્થપોર્ટમાં ૨૦ લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. નોર્થપોટમાં રાહત શિબિર શરૂ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.