અર્થતંત્રને વેગવંતુ બનાવવા ૧.૫ લાખ કરોડનું પેકેજ જાહેરઃ નિર્મલા સિતારામન

 

નવી દિલ્હીઃ કોરોનાની મહામારીને કારણે થયેલી અસરમાંથી અર્થતંત્રને બહાર કાઢવામાં મદદ કરવા નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સોમવારે સ્મોલ અૅન્ડ મીડિયમ બિઝનેસ, આરોગ્ય ક્ષેત્ર, ટૂરિઝમ એજન્સી અને ટૂરિસ્ટ ગાઈડને લોન, વિદેશી પ્રવાસીઓને વિઝા ફીમાંથી મુક્તિ સહિતની બાબતો માટે વધારાના રૂ. ૧.૫ લાખ કરોડના સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરી હતી. ગરીબ વર્ગના લોકોને નવેમ્બર સુધી મફત અનાજ પૂરું પાડવાની અગાઉ કરવામાં આવેલી જાહેરાત તેમ જ ખાતર પર સબસિડી આપવા રૂ. ૧૪,૭૭૫ કરોડના સ્ટિમ્યુલસ પેકેજ સહિત અત્યાર સુધીમાં કુલ મળીને રૂ. ૬.૨૯ લાખ કરોડના ભંડોળની જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે વિવિધ ક્ષેત્ર માટે આર્થિક રાહતના પગલાંઓની જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર થનારી સંભવિત અસરનો સામનો કરવા હોસ્પિટલોમાં આરોગ્ય માળખું ઊભું કરવા તેમણે વધારાનાં રૂ. ૨૩,૨૨૦ કરોડના ભંડોળની જાહેરાત કરી હતી.

નવો રોજગાર ઊભો કરવા અને માર્ચ ૨૦૨૨ સુધીમાં ભરતી કરવામાં આવનારા નવા કર્મચારીઓને વળતર આપવા સરકાર માલિકો અને કર્મચારીઓનો પ્રોવિડન્ટ ફંડનો હિસ્સો આપવા પ્રતિબદ્ધ છે. અગાઉ સરકારે ૭૯,૫૭૭ સંસ્થાના ૨૧.૪૨ લાખ લાભાર્થીઓને રૂ. ૯૦૨ કરોડ ચૂકવ્યા હતા, એમ તેમણે કહ્યું હતું. કોરોનાને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને ટૂરિસ્ટ એજન્સીને રૂ. ૧૦ લાખ અને ટૂરિસ્ટ ગાઈડને એક લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત પણ તેમણે કરી હતી. પ્રવાસ પરના અંકુશો હળવાં કરવામાં આવ્યા બાદ ભારતની મુલાકાતે આવનારા પ્રથમ પાંચ લાખ વિદેશી પ્રવાસીઓને વિઝા ફીમાંથી મુક્તિ આપવાની તેમણે જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે સરકારી તિજોરી પર રૂ. ૧૦૦ કરોડનો બોજ વધશે.

અન્ય જાહેરાતોમાં તમામ ગ્રામ પંચાયતોને બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડવા તેમ જ ઈલેક્ટ્રોનિક વસ્તુઓનું મોટાપાયે ઉત્પાદન કરવા પ્રોડક્શન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ)ની મુદત લંબાવવા વધારાના રૂ. ૧૯,૦૪૧ કરોડના પેકેજનો અને માલસામાનની નિકાસને વીમા હેઠળ આવરી લેવા રૂ. ૮૮,૦૦૦ કરોડનો સમાવેશ થાય છે.

કોવિડને કારણે અસર પામેલા ક્ષેત્રોને લોન ગેરન્ટી સ્કીમ માટે રૂ. ૧.૧ લાખ કરોડની જાહેરાત કરવામાં આવી છે જેમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ. ૫૦,૦૦૦ કરોડ, ત્રણ વર્ષ માટે વાર્ષિક ૯.૭૫ ટકા વ્યાજના દરે રૂ. ૧૦૦ કરોડની સિંગલ લોન વગેરેનો સમાવેશ થાય છે. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી જેવા અન્ય ક્ષેત્ર માટે વાર્ષિક ૮.૨૫ ટકા વ્યાજની લોનની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન, વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નવા પગલાંઓ આર્થિક ગતિવિધિઓને ઉત્તેજન આપશે, ઉત્પાદન તેમ જ નિકાસને વેગ આપશે અને નવા રોજગારનું નિર્માણ કરશે.