અરુણ જેટલી સાથે સેટલમેન્ટ મુલાકાત કરેલી – વિજય માલ્યા

લંડન/નવી દિલ્હીઃ નવ હજાર કરોડ રૂપિયાનું બેન્કોનું ફુલેકું ફેરવીને બ્રિટનમાં જલસા કરી રહેલા વિજય માલ્યાએ લંડનસ્થિત વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન કોર્ટની બહાર મિડિયા સાથેની વાતચીતમાં વિજય માલ્યાએ જણાવ્યું હતું કે હું ભારતમાં નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો અને ત્યારે જ મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું ભારત છોડીને લંડન જઈ રહ્યો છું. મેં દરેક બાબતોનું નિરાકરણ લાવવાની ઓફર પણ કરી હતી અને આ જ સત્ય છે.
2016માં વિજય માલ્યા માર્ચ મહિનામાં જ ભારત છોડીને વિદેશ જતો રહ્યો હતો. તે સમયે પણ અરુણ જેટલી જ નાણામંત્રી હતા અને બેન્કોના 9000 કરોડ રૂપિયાની લોનનો મામલો વિજય માલ્યા વિરુદ્ધ ચાલી રહ્યો હતો. માલ્યાએ મિડિયાને જણાવ્યું હતું કે મને રાજકીય ફૂટબોલ બનાવી દેવામાં આવ્યો છે. મેં મારી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ ટેબલ પર મૂકી દીધી હતી. 62 વર્ષીય લિકર કિંગ વિજય માલ્યા હાલ લંડનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. વિજય માલ્યાએ લંડનની કોર્ટની બહાર સિગારેટ ફૂંકતાં ફૂંકતાં દાવો કર્યો હતો કે હું અરુણ જેટલીને મળ્યો હતો અને બધી જ વાત તેમને કરી દીધી હતી. બીજી તરફ વિજય માલ્યાના આ ઘટસ્ફોટને પગલે ભીંસમાં આવેલા નાણામંત્રી અરુણ જેટલીએ ફેસબુક પોસ્ટ દ્વારા કેટલીક સ્પષ્ટતા કરી હતી કે એક વખત દિલ્હીમાં વિજય માલ્યાની સાથે મુલાકાત થઈ હતી. તે સમયે તે રાજ્યસભાના સાંસદ હતો અને તે તે સમયે રાજ્યસભામાં ગયો હતો. તેમણે માલ્યાના દાવાને ફગાવતાં જણાવ્યું હતું કે 2014 પછી મેં વિજય માલ્યાને મળવાની અપોઇન્ટમેન્ટ ક્યારેય નથી આપી, માલ્યા જે દાવો કરી રહ્યો છે તે જૂઠો છે. માલ્યાના આ દાવા પછી રાજકીય ભૂકંપ સર્જાયો છે અને વિપક્ષો હવે સરકાર પાસેથી સમગ્ર મામલે જવાબ માગી રહ્યા છે. માલ્યાના કેસમાં લંડનની કોર્ટમાં જે સુનાવણી ચાલી રહી છે તેની અંતિમ દલીલો પૂરી કરી લેવાઈ છે. આગામી 10મી ડિસેમ્બરે માલ્યાના પ્રત્યાર્પણ અંગે ચુકાદો આવશે.