અયોધ્યા ૨૨.૨૩ લાખ દીવાથી ઝગમગ: સરયૂના કાંઠે ૫૧ ઘાટ પર દીપોત્સવની ઉજવણી

અયોધ્યા: સરયૂ નદીના કાંઠે ૫૧ ઘાટ પર ૨૨.૨૩ લાખ દીવા કરવામાં આવતા આખું અયોધ્યા ઝગમગી ઊઠ્યું હતું. નદીના અનેક ઘાટ પર દીપોત્સવ વખતે પુષ્પવર્ષા કરાઇ હતી અને લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો. ‘પુષ્પક વિમાન’માંથી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવતા લોકોને રામકથા પાર્કમાં ઉતારવામાં આવ્યા હતા. તેઓની આરતી ઉતારવામાં આવી હતી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. તેઓએ ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના રથને પણ ખેંચ્યો હતો. ‘રામ કી પૌડી’ ખાતે બેસાડાયેલા વિશાળ સ્ક્રીન પર રામાયણને આધારિત વિવિધ ઘટનાને દર્શાવતો લાઇટ અને સાઉન્ડ શો યોજાયો હતો. દેશ-વિદેશથી આવેલા હજારો લોકોની સાથે આશરે પચાસ દેશના રાજદૂતોએ અયોધ્યામાંના આ દીપોત્સવને માણ્યો હતો. પચીસ હજાર જેટલા સ્વયંસેવકોની મદદથી આ દીવા પ્રગટાવાયા હતા. રામનગરીમાં ભગવાન રામના જન્મથી રાજ્યાભિષેક સુધીની સફર દર્શાવતી ૧૯ ઝાંખી રજૂ કરાઇ હતી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અયોધ્યામાં ૨૦૧૭થી સરયૂ નદીના કાંઠે શરૂ કરાયેલી દીપોત્સવની પરંપરા આજે પણ જાળવી રખાઇ છે. સરયૂ નદીના ૫૧ ઘાટ પર ૨૪ લાખ દીવા કરવા માટે એક લાખ લિટરથી વધુ તેલનો ઉપયોગ કરાયો હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here