અયોધ્યા રામ-મંદિર વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ

0
987
Photo: Reuters

દેશની સર્વોચ્ચ અદાલતે અયોધ્યા રામ-મંદિર જમીન વિવાદને મધ્યસ્થી દ્વારા ઉકેલવાનો નિર્ણય લીધો હતો. બુધવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળ બનેલી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે પક્ષકારોને મધ્યસ્થીઓના નામ આપવા જણાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, નિવૃત્ત જસ્ટિસ ઈબ્રાહિમ  ખલીફુલ્લાહ અને શ્રીરામ પંચુ આ મમલાને ઉકેલવા માટે મધ્યસ્થી કરશે. ઈબ્રાહિમ ખલીફુલ્લાહ આ મધ્યસ્થી પેનલના ચેરમેન છે. બીજા બે સભ્યોમાં શ્રી શ્રી રવિશંકર છે અને વરિ્ષ્ઠ એડવોકેટ શ્રીરામ પંચુ છે. મહત્વની બાબત તો એ છેકે મધ્યસ્થી દ્વારા કેસને ઉકેલવાની કાર્યવાહી ચાર સપ્તાહમાં શરૂ કરાશે અને આઠ સપ્તાહમાં એ પૂરી થશે.
સુપ્રીમ કોર્ટે ફૈજાબાદમાં જ મધ્યસ્થીને સંબંધિત વિચાર- વિમર્શ અને વાતચીત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. જયાંસુધી વાતચીતની પ્રક્રિયા ચાલુ હશે ત્યાં સુધી સંપૂર્ણરીતે તમામ વાતોને ગોપનીય રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે મધ્યસ્થીની પેનલમાં સામેલ વ્યક્તિઓ કે સંબંધિત પક્ષો – કોઈને કશી જ માહિતી આપશે નહિ.એ  અંગે મીડિયાના રિપોર્ટિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
 સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, જો અદાલતને આવશ્યક લાગશે તો એ મધ્યસ્થી પેનલમાં કોઈ પણ વ્યક્તિને સામેલ કરી શકશે. સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશની સરકારને ફૈજાબાદમાં મધ્યસ્થીઓને તમાંમ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.