
વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અયોધ્યા પધારેલા નરેન્દ્ર મોદીને આમ જનતાએ આવકાર્યા હતા. અયોધ્યાની ચૂંટણી પ્રચાર- સભામાં મોદીએ ફરી એકવાર આતંકવાદનો મુદો્ ઉઠાવ્યો હતો.તેમણે સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, પડોશમાં આજે પણ આતંકવાદની ફેકટરીઓ ચાલી રહી છે.આ પાડોશીઓનું કામ ત્રાસવાદીઓને તેમજ હથિયારોને ભારતમાંં મોકલી દેવાનું છે. આથી આપણે સાવચેત રહેવાની જરૂરત છે. અત્યારે આતંકવાદને ખતમ કરવા માટે વિશ્વ કાર્ય કરી રહ્યું છે, ત્યારે તો આપણે વધુ સાવધાન રહેવું પડે, કારણકે એક નાનકડી ભૂલ પણ આપણે માટે વિનાશક પુરવાર થઈ શકે. મોદીએ તેમના પ્રવચનમાં હાલમાં શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી બોમ્બ વિસ્ફોટનો મુદો્ ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશને સુરક્ષા માટે એક મજબૂત સરકારની જરૂર છે. મહામિલાવટ અને કોંગ્રેસ પક્ષના લોકો દેશમાં નબળી સરકાર ઈચ્છે છે. આ નબળી સરકાર લોકોની સુરક્ષા સામે મોટો ખતરો બની શકે.