અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની આધારશિલા 5 ઓગસ્ટના શુભ મુહૂર્તમાં મૂકવામાં આવશેઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના ભૂમિ- પૂજનનો વિધિ સંપન્ન થશે…

 

        ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં આગામી 5 ઓગસ્ટના દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય રામમંદિરની આધાર-શિલા રાખવામાં આવશે. રામ- મંદિરનું ભૂમિ- પૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. વિધ્ન- વિનાશક શ્રી ગણપતિનું આવાહન કરીને પાંચ પવિત્ર નદીઓના જળથી પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે નવગ્રહ  અને તમામ દેવ-દેવતાઓને આમંત્રિત કરવામાં આવશે. તેમનું પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર, પૂજન- અર્ચના વગેરે કરાશે. આ તમામ શાસ્ત્રોકત વિધિ- કાર્યોની જવાબદારી કાશી વિદ્વત પરિષદને સોંપવામાં આવી છે. પરિષદ દ્વારા વેદાન્ત. ધર્મશાસ્ત્ર, અને જયોતિષના નિષ્ણાત ત્રણ વિદ્વવાનોની વરણી કરવામાં આવી છે. જેમની સૂચના અને દેખરેખ હેઠળ મંદિરની પૂજા- વિધિનું તમામ કાર્ય સંપન્ન થશે. વિદ્વત પરિષદના સંયોજક  તેમજ વિશ્વ હિંદુ યુનિવર્સિટીના પ્રાધ્યાપક રામ નારાયણ  દ્વિવેદીના જણાવ્યા અનુસાર, પ્રાધ્યાપક વિનય પાંડેય , પ્રાધ્યાપક રામચંદ્ર પાંડેય અને ખુદ હું – અમે ત્રણે મળીને પૂજનનું કાર્ય કરીશું. ભૂમિપૂજન તેમજ શિલા- પૂજન માટે ચાર મુદા્ મહત્વના છે. જેના આધારે પૂજન કરવામાં આવશે. સવારે 8 વાગે ભગવાન ગણપતિનું આવાહન કરીને પૂજાનો પ્રરંભ કરવામાં આવશે. જેથી તમામ વિધ્નોનો નાશ થાય. ભગવાન સૂર્યનારાયણ સહિત 9 ગ્રહોનું પણ વિધિસર પૂજન કરવામાં આવશે. કુલ 5 નદીઓના પવિત્ર જળથી પૂજા કરવામાં આવશે. પ્રયાગરાજની ત્રિવેણી ( ગંગા, યમુના અને સરસ્વતી ) અયોધ્યાની સરયૂ નદી અને નર્મદાના જળથી પૂજા કરાશે. ભગવાન વરુણ, ઈન્દ્ર સહિત મહત્વના તમામ દેવ- દેવીઓનું આવાહન કરવામાં આવશે. મંદિરના શિલાન્યાસ પૂજન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂજન કરશે અને તમામ દેવ- દેવતાઓની કલ્પના અનુસાર, તે પ્રસંગે પુષ્પ- વર્ષા કરવામાં આવશે. ભગવાન શ્રીરામના મંદિરની અનેક ભક્તો અને શ્રધ્ધાળુઓ આતુરતાથી રાહ જોઈ રહયા છે. અનેક વિધ્નો, વિખવાદો અને તકલીફો પસાર કરીને હવે અયોધ્યામાં પ્રભુ શ્રી મર્યાદા પુરુષોત્તમ રામના ભવ્ય મંદિરની રચનાની શુભ-ઘડીઓ આવી રહી છે, તે રામભકતો માટે રોમાંચક અને આનંદદાયક ઘટના બની રહેશે.