અયોધ્યામાં નવરાત્રિના પહેલા દિવસે બુલેટપ્રૂફ મંદિરમાં બિરાજશે રામલલા

 

લખનઉઃ સુપ્રીમ કોર્ટે વિવાદિત જમીન રામ મંદિર માટે ફાળવવાના આપેલા ચુકાદા બાદ હવે મંદિરના નિર્માણ માટેનું રામ મંદિર ટ્રસ્ટ પણ બની ચૂક્યું છે. મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઝીરો બેલેન્સ સાથે એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે, જેમાં ભાવિકો દાન જમા કરાવી શકશે.

એવી પણ ખબર છે કે રામનવમીના દિવસે રામજન્મભૂમિ પરિસરમાં પહેલી વખત ભાવિકોને આરતીમાં સામેલ થવાની પરવાનગી મળી શકે છે. રામલલાની મૂર્તિને હાલના સ્થળથી ૨૦૦ મીટરના અંતરે સ્થાપિત કરવાની વ્યવસ્થા કરાઈ રહી છે. હવે બે દિવસની અંદર ફાઇબરનુ મંદિર ઊભું થઈ જશે. આ મંદિર બુલેટપ્રૂફ હશે.

૨૦ માર્ચથી અસ્થાયી મંદિરનું શુદ્ધીકરણ કરાશે. ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસે, એટલે કે ૨૫ માર્ચે સવારે ચાર વાગ્યે રામલલા નવા અસ્થાયી મંદિરમાં બિરાજમાન થશે. આ મંદિર તમામ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં બે એરકન્ડિશન પણ લગાવાશે. રામલલા અસ્થાયી મંદિરમાં શિફ્ટ થયા બાદ નવા મંદિર માટે રામજન્મભૂમિ પરિસરને સમતલ કરવાની કામગીરી શરૂ થઈ જશે.