અયોધ્યાના રામ મંદિરમાં ૨૦૨૩ના અંત સુધીમાં દર્શન થઈ શક્શે

 

નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ યોજના અનુસાર આગળ વધી રહ્યું છે. તેમજ વર્ષ ૨૦૨૩ના અંત સુધીમાં ભક્તોને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે તેવી અપેક્ષા છે, એમ રામ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું.

પરંતુ, સંપૂર્ણ મંદિર સંકુલ વર્ષ ૨૦૨૫ સુધીમાં બનીને તૈયાર થઈ જશે. ભવ્ય પ્રોજેક્ટની વિગતો શેર તેઓએ કહ્યું કે, મુખ્ય મંદિર ત્રણ માળનું હશે અને તેમાં પાંચ મંડપ હશે.

તેઓએ જણાવ્યું કે, મંદિરની લંબાઈ ૩૬૦ ફૂટ, પહોળાઈ ૨૩૫ ફૂટ અને દરેક માળની ઊંચાઈ ૨૦ ફૂટ હશે.એક સૂત્રએ જણાવ્યું કે, મંદિરનું નિર્માણ કાર્ય યોજના અનુસાર આગળ વધી રહ્યું છે અને અંદાજ છે કે, ૨૦૨૩ના અંત સુધીમાં ભક્તો ભગવાન રામના દર્શનની કરવાની તક મેળવી શકશે.

મંદિરનું નિર્માણ કાર્ય રાજકીય મહત્ત્વ ધરાવે છે. કારણ કે, આગામી લોકસભાની ચૂંટણી વર્ષ ૨૦૨૪ના પહેલા ભાગમાં થવાની છે. જો મંદિરનું નિર્માણ કાર્ય યોજના મુજબ ચાલે છે તો શાસક ભાજપને ચૂંટણી પ્રચાર માટે એક મુદ્દો મળી જશે.

સૂત્રોએ ઉમેર્યું કે, મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર ૧૬૦ સ્તંભ, પ્રથમ માળે ૧૩૨ સ્તંભ અને બીજા માળે ૭૪ સ્તંભ હશે. જ્યારે, ગર્ભગૃહની ટોચ ગ્રાઉન્ડ ફ્લોરથી ૧૬૧ ફૂટ પર હશે અને તેનું નિર્માણ રાજસ્થાનના પથ્થર અને આરસપહાણથી કરવામાં આવશે.

છેલ્લા ત્રણ દાયકાઓમાં થયેલા ફેરફારો અને ભક્તોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને મંદિરની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મંદિર નિર્માણ સંબંધિત લોકો વર્ષની શરૂઆતથી જ કહી ચૂક્યા છે કે બે વર્ષની અંદર મંદિરમાં પૂજા અર્ચના શરૂ થઈ જશે અને સામાન્ય લોકોને ભગવાનના દર્શનની અનુમતી રહેશે. આ નિવેદનથી જ અંદાજ લગાડી શકાય છે કે ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં મંદિરનું કામ લગભગ પૂરું થઈ જશે અને લોકો ભગવાન રામની પૂજા અર્ચના કરી શકશે. ગુરુવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણની શરૂઆત થયાને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ દિવસે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યાની મુલાકાત કરશે. કહેવાય છે કે કાર્યક્રમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી સંબોધિત કરશે. ગયા વર્ષે કોરોના પ્રતિબંધો વચ્ચે વડા પ્રધાન મોદીએ રામ મંદિર નિર્માણ માટે ભૂમિભૂજન કર્યું હતું. અયોધ્યામાં આયોજિત સરકારી કાર્યક્રમ હેઠળ ૧૦૦થી વધારે લોકોએ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ અપાશે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરી હતી