અમ્ફાન ધીમું પડ્યુંઃ કોલકાતા એરપોર્ટ તળાવમાં ફેરવાયું, ૧૭નાં મોત, કરોડોનું નુકસાન

 

કોલકાતાઃ બુધવારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વિનાશક ભારે ચક્રવાતી વાવાઝોડું અમ્ફાન ધીમું થવાનું શરૂ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા ૬ કલાકમાં તે ૨૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઇશાન દિશામાં આગળ વધ્યો છે. તે આગામી ત્રણ કલાકમાં વધુ નબળું થવાની સંભાવના છે. આસામ, મેઘાલયમાં આજે હળવો વરસાદ પડી શકે છે અને કલાકે ૩૦-૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળમાં પવનની ગતિ બુધવારે કલાકમાં ૧૯૦ કિલોમીટરની ઝડપે પહોંચી હતી. બીજી તરફ કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક હિસ્સામાં વિનાશ વેરનારા અત્યંત ભીષણ ચક્રવાતી વાવાઝોડા અમ્ફાનના કારણે ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયા છે, જ્યારે હજારો મકાન નષ્ટ થઈ ગયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કોલકાતા એરપોર્ટમાં ચારે તરફ અમ્ફાને વેરેલા વિનાશના દશ્યો જોવા મળી રહ્યા છે.

કોલકાતાના ડમડમની પાસે પવનની ઝડપ પ્રતિ કલાક ૧૩૩ નોંધવામાં આવી. જ્યારે સાગર દ્વીપની પાસે પવનની ઝડપ ૧૮૫ હતી. કોલકાતા એરપોર્ટ ખાતે પણ ભારે નુકસાન થયું છે. ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં એક પુરુષ અને એક મહિલા પર વૃક્ષ પડતાં તેમના મોત થયા છે.  હાવડામાં પણ આ પ્રકારની ઘટનામાં ૧૩ વર્ષીય બાળકીનું મોત થયું છે.

કરંટ લાગવાના કારણે હુગલી અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ત્રણ લોકોનાં મોત થયા છે. કોલકાતામાં બુધવારે ૨૨૦ મિલી લીટર વરસાદ પડ્યો છે. શહેરમાં ચારે તરફ વિનાશના દશ્યો જોવા મળ્યા હતા. કોલકાતામાં અત્યાર સુધી ૩ લોકોનાં મોતના અહેવાલ છે. શહેરમાં ચારેબાજુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અમ્ફાન કારણે ઓડિશામાં કોઈ મૃત્યુની જાણ થઈ નથી, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના મતે તેમના રાજ્યમાં ૧૨ લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. ૫૫૦૦ મકાનોને નુકસાન થયું છે અને તોફાનને કારણે હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. યોગ્ય આકારણીમાં ૩-૪ દિવસનો સમય લાગશે.

ઓડિશામાં પુરી, ગંજામ, જગતસિંગપુર, કટક, કેન્દ્રપદા, જાજપુર, ગંજામ, ભદ્રક અને બાલાસોરના ૯ જિલ્લા પ્રભાવિત છે. વાવાઝોડાથી પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર, ૨૪ દક્ષિણ અને ઉત્તર પરગણા તેમજ હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકાતાના કાંઠાના જિલ્લાઓ અસરગ્રસ્ત થયા હતા