અમે મુંબઈના રહેવાસી-માટુંગાની મધુર યાદો

મારો જન્મ 1937માં ભાવનગરમાં થયો, પણ પ્રથમ ચાલીસ વર્ષ માટુંગા (સેન્ટ્રલ રેલવે)માં વિતાવ્યાં. મુંબઈમાં સરખા જ નામનાં બે પરાં છે, દાદર અને માટુંગા. બન્નેની ઓળખ માટે તેના નામ પાછળ સેન્ટ્રલ રેલવે અથવા વેસ્ટર્ન રેલવે ટૂંકાણમાં લખાય છે. આ લખાણ માટુંગ (સે.રે.) સંબધિત છે. મારો શાળાનો અભ્યાસ ‘માટુંગા’ પ્રીમિયર સ્કૂલમાં થયેલો. માટુંગાનું નિર્માણ તથા નિકાસ ટાઉન પ્લાનિંગના ધોરણે આશરે 100 વર્ષ પહેલાં શરૂ થયું, તેથી શરૂઆતથી જ પહોળા રસ્તાઓ તથા પહોળા ફૂટપાથો, તેની ઉપર વૃક્ષો તથા લાઇટો, ભૂગર્ભ ગટરો વગેરે છે. તદુપરાંત પાંચ બગીચા, ન્યુ ગાર્ડન, કિંગ સર્કલ જેવા મોટા તથા અસંખ્યા નાના નાના બગીચાઓ અને કબૂતરખાનું પણ છે. આ સિવાય મંદિરો, દેરાસરો, ગુરુદ્વારા તથા ચર્ચ પણ ખરાં. લગ્ન તથા અન્ય પ્રસંગો માટે આઠ-દસ વાડીઓ તથા હોલ, મનોરંજન માટે અરોરા થિયેટર, ક્રિકેટ, ટેનિસ તથા

બેડમિંગ્ટન માટે માટુંગા જિમખાનું. તે વખતે મુંબઈથી કિંગ સર્કલ સુધી ટ્રામ ચાલતી. તેનો દર એક આનો હતો.
સુંદર આયોજનથી માટુંગા મુંબઈનું વિદ્યાનગર બન્યું. બીજું વિશ્વયુદ્ધ 1939માં શરૂ થયું તે અગાઉ રૂઇયા કોલેજ, પોદ્દાર કોલેજ, ખાલસા કોલેજ, વીજેટીઆઇ, યુડીસીટી વગેરે તથા તેની બોર્ડિંગો બંધાઈ ચૂકી હતી. આ ઉપરાંત જુદી જુદી જ્ઞાતિઓના નિવાસો તથા બોર્ડિંગો પણ બંધાયાં હતાં.

માટુંગાની બીજી ઓળખ મુંબઈમાં રહેતા દક્ષિણ ભારતીયોનું નિવાસસ્થાન. તે વખતે તેઓ સૌ ‘મદ્રાસી’ તરીકે જ ઓળખાતા. પછી તે કેરળના હોય કે આંધ્રના, તામિલનાડુના હોય કે કર્ણાટકના. તેઓની પણ માટુંગામાં સ્કૂલો અને બોર્ડિંગો છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય વાનગીઓ ઈડલી, ઢોસા, મેંદુવડા વગેરે પીરસતી ઘણી રેસ્ટોરાંઓ પણ છે.
મુંબઈની છાપ ગીચ વસતિવાળા મહાનગર તરીકે છે, પણ મેં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન માટુંગાને ખાલી થતું પણ જોયું છે. તે વખતે ભયને કારણે મુંબઈમાં રહેતા ભારતીયો પોતપોતાના વતનમાં ચાલ્યા ગયા હતા તે સમયગાળાને મજાકમાં ‘ભાગાભાગી’ કહેતા. ત્યારે મારા પિતાએ સહકુટુંબ માટુંગામાં જ રહેવાનું પસંદ કરેલું.

અમે કપોળ જ્ઞાતિના એક ટ્રસ્ટે બંધાવેલા ‘કપોળ નિવાસ’માં રહેતા. બાજુનાં જ બે મકાનો આ જ જ્ઞાતિના બીજા ટ્રસ્ટે બંધાવેલાં. ત્રણે મકાનમાં કુલ 70 ભાડૂતો રહેતા. સૌનો ધર્મ એક જ અને ખોરાક રહેણીકરણી વગેરે પણ લગભગ સરખાં, તેથી એકબીજા સાથે સારો મનમેળ. નવરાત્રિ, દિવાળી, હોળી જેવા ઉત્સવો સાથે ઊજવતા. તે જમાનામાં ટેલિવિઝન નહોતાં, તેથી અડોશીપડોશી વચ્ચે હળવા મળવાનું વિશેષ થતું અને સારેનરસે પ્રસંગે એકબીજાને મદદરૂપ થતા.

ત્રણે મકાનોમાં રહેતા બાળમિત્રો સાથે રમવાની, પિકનિક પર જવાની, અરોરા થિયેટરમાં ચલચિત્ર જોયા પછી ઈડલી-ઢોસા ખાવાની ખૂબ મજા આવતી. ખ્યાતનામ ફિલ્મ-કલાકાર પૃથ્વીરાજ કપૂરનું કુટુંબ અમારા મકાનની નજીકમાં જ રહેતું હતું. તેમના સૌથી નાના પુત્ર શશી કપૂર સાથે ક્રિકેટ રમ્યાનું યાદ આવે છે.

માટુંગાની વાત થાય તો પારસીઓને કેમ ભુલાય? દાદર-માટુંગાના વિકાસમાં તેમનો સિંહફાળો છે. ત્યાંના મુખ્ય રસ્તાઓનાં નામ, જેવા કે એડનવાલા રોડ, જામે જમશેદ રોડ, લેડી જહાંગીર રોડ વગેરે તેમની સેવાઓની કદરરૂપે રખાયાં છે. મારા બન્ને પુત્રો પારસી સ્કૂલ ડીપીવાયએએસમાં ભણ્યા છે. મારા ઘણા કોલેજમિત્રો પારસી છે. આજકાલ કરતાં મને અમેરિકા આવ્યાને ચાલીસ વર્ષ થઈ ગયાં. તે છતાં બાળપણની એ મધુર યાદો, નિર્દોષ મસ્તી તોફાનો કેમ ભુલાય? મારો માટુંગાનો મોહ જીવનપર્યંત રહેશે.

(લેખક ન્યુ યોર્કના જાણીતા સોનાના વેપારી છે, હાલ નિવૃત્ત છે.)