અમે મિત્રો પર કાર્યવાહી નથી કરતા પણ ભારતે કોઈ એકની પસંદગી કરવી પડશેઃ જસ્ટર

 

નવી દિલ્હીઃ અમેરિકી કોંગ્રેસના રિપોર્ટ બાદ ભારત-રશિયા વચ્ચેના રક્ષા સંબંધો અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે ટિપ્પણી કરી છે. તેમણે એક પ્રકારે ભારતને ચેતવણી આપવાનો પ્રયત્ન કર્યો છે કે રશિયા સાથેના સંબંધ અમેરિકાની સાથે ભારતના સંબંધોને પ્રભાવિત કરી શકે છે. જો કે જસ્ટરે એ પણ સ્પષ્ટ કર્યું કે અમેરિકા મિત્રો વિરુદ્ધ પ્રતિબંધોની કાર્યવાહી કરતું નથી. આ અગાઉ અમેરિકી કોંગ્રેસની સ્વતંત્ર શોધ શાખા કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટમાં કહેવાયું હતું કે રશિયા સાથે  S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના લઈને અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. 

હિન્દુસ્તાન ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ, અમેરિકી રાજદૂત કેનેથ જસ્ટરે કહ્યું કે ભારતે સૈન્ય હાર્ડવેર ખરીદવા મુદ્દે કપરા નિર્ણયો લેવા પડશે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક સમારોહમાં જસ્ટરે કહ્યું કે અમે કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ  (CAATSA) હેઠળ મિત્રો પર કાર્યવાહી કરતા નથી. આ સાથે જ તેમણે ભારતને ચેતવતા કહ્યું કે તેણે ‘ટ્રેડઓફ’ અને ઉચ્ચ ટેક્નોલોજીવાળા અમેરિકી સૈન્ય હાર્ડવેર વચ્ચે કોઈ એકને પસંદ કરવું પડશે. 

CAATSA પ્રતિબંધો પર બોલતા તેમણે કહ્યું કે તેને મિત્રોને નુકસાન પહોંચાડવા માટે તૈયાર કરાયો નથી. તેનો ઉપયોગ કેટલાક ખાસ દેશો માટે થાય છે. આમ તો મારી નજરમાં તેનાથી પણ મોટા કેટલાક મુદ્દા છે, જે ભવિષ્યમાં ભારત અને અમેરિકાના રક્ષા સંબંધોને પ્રભાવિત કરી શકે છે. આથી ભારતે કઠોર નિર્ણય લેવા પડશે. ભારત-રશિયાના સંબંધોનો ઉલ્લેખ કરતા અમેરિકી રાજદૂતે કહ્યું કે ભારતના દષ્ટિકોણની પોતાની મર્યાદાઓ હતી, પરંતુ હવે તેણે કઠોર નિર્ણય લેવા પડશે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું કે કોઈ એકની નજીક જવા માટે બીજાને નજરઅંદાજ કરવાના પોતાના નુકસાન હોય છે. 

કેનેથ જસ્ટરે સંકેત આપ્યા કે રશિયા પાસેથી સાધનસામગ્રી ખરીદવી ભારત-અમેરિકાના રક્ષા સંબંધોને પ્રભાવિત કરી શકે છે. તેમણે કહ્યું કે ભારતે એ નક્કી કરવાનું છે કે સૌથી વધુ અત્યાધુનિક  ટેક્નોલોજી મેળવવી તેના માટે કેટલું મહત્ત્વ ધરાવે છે. ‘ટ્રેડ ઓફ’ પર નિર્ણય ફક્ત ભારત સરકારે લેવાનો છે અને તેના આધારે ભવિષ્યના સંબંધ નિર્ધારિત થશે. જસ્ટરે વધુમાં કહ્યું કે અમેરિકા ભારત સાથે પોતાના સંબંધો મજબૂત કરવા, તેની સાથે રક્ષા ડીલ કરવાના પક્ષમાં છે પરંતુ હાલની સ્થિતિ કોઈ ખુલ્લા દરવાજાને બંધ કરવા જેવી છે. 

આ અગાઉ અમેરિકી કોંગ્રેસના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત દ્વારા રશિયા પાસેથી S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના કારણે અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકી કોંગ્રેસની સ્વતંત્ર શોધ શાખા ‘કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ’ (CRS)એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું છે કે ભારત ટેક્નોલોજી ક્ષેત્રમાં ભાગીદારી અને મળીને ઉત્પાદન કરનારી યોજનાઓ અંગે ઉત્સુક છે. જ્યારે અમેરિકા ભારતની રક્ષાનીતિમાં કઈંક વધુ સુધારાની અપેક્ષા રાખે છે. આ સાથે જ તે ઈચ્છે છે કે ભારત પોતાના રક્ષા ક્ષેત્રમાં વિદેશી રોકાણને લઈને લચીલું વલણ અપનાવે. 

રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે S-400 ડીલના કારણે અમેરિકા ‘કાઉન્ટિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ’ એટલે કે પ્રતિબંધો દ્વારા મુકાબલો કરવાના સંબંધિત કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. આમ તો CRS રિપોર્ટ અમેરિકી કોંગ્રેસનો અધિકૃત રિપોર્ટ હોતો નથી. તે સ્વતંત્ર વિશેષજ્ઞો દ્વારા સાંસદો માટે તૈયાર કરવામાં આવે છે. જેથી કરીને તેઓ બધુ સમજી લીધા બાદ સમજી વિચારીને નિર્ણય લઈ શકે. આમ છતાં રિપોર્ટમાં ભારત-રશિયા ડીલને લઈને અપાયેલી ચેતવણી ચિંતાનો વિષય જરૂર છે. 

ભારત અને રશિયા રણનીતિક ભાગીદાર છે અને ભારત પોતાની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા સાથે ડીલ કરતું આવ્યું છે. ઓક્ટોબર ૨૦૧૮માં ભારતે ટ્રમ્પ પ્રશાસનની ચેતવણીને નજરઅંદાજ કરીને ચારS-400 ડિફેન્સ સિસ્ટમ ખરીદવા રશિયા સાથે પાંચ અબજ ડોલરની ડીલ કરી હતી. જેની  પહેલા હપ્તા તરીકે ભારતે ૨૦૧૯માં રશિયાને ૮૦ કરોડ ડોલરની ચૂકવણી પણ કરી હતી