અમેિરકામાં હિંદુ મંદિરોમાં વધારોઃ 20 વર્ષમાં 1000 કરતા વધુ મંદિરો બન્યા

વોશિંગ્ટનઃ અમેરિકામાં હિંદુ સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. છેલ્લા 15 વર્ષમાં અમેરિકામાં હિંદુઓની વસતી બમણી એટલે કે આશરે 22 લાખ થઈ ગઈ છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે 2025 સુધીમાં હિંદુઓની વસતી 28 લાખ થઈ જશે. હાર્વર્ડ યુનિવર્સિટીના પ્લુરલિઝમ પ્રોજેક્ટના જણાવ્યા મુજબ 20 વર્ષ પહેલા અમેરિકામાં 435 મંદિર હતા. આ સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે. અમેરિકામાં હિંદુઓની સંખ્યામાં વધારો થતા મંદિરોની સંખ્યા પણ વધી છે. એટલું જ નહીં હિંદુ ધર્મ અને સંસ્કૃતનો પણ ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. વોશિંગ્ટન ડીસીના રાજધાની મંદિરના મુખ્ય પૂજારી પંડિત રામસ્નેહ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં તેમની સ્કૂલોમાં ભણતા બાળકોની સંખ્યામાં 200 ટકાનો વધારો થયો છે. દર સપ્તાહે સરેરાશ 600 બાળકો હિંદુ ધર્મના વર્ગમાં પ્રવેશ મેળવે છે.
હિંદુ ધર્મ અને સંસ્કૃતિના વધતા પ્રભાવને જોતા અમેરિકાના વિવિધ શહેરોમાં સમર સ્કૂલ શરૂ કરવામાં આવી છે. અમેરિકામાં 31 ઇસ્કોન મંદિરોની સ્કૂલોમાં આશરે 20 હજાર બાળકો વીકએન્ડના વર્ગોમાં સામેલ થાય છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકામાં લગભગ 48 ટકા હિંદુ ધાર્મિક સંસ્થાઓમાં નિયમિત ફાળો આપે છે. પ્યૂ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ અનુસાર ધાર્મિક સંસ્થાઓ માટે ફાળો આપનારાઓમાં હિંદુઓ મોખરે છે. તેઓ સરેરાશ આશરે 16 હજાર રૂપિયા દાન આપે છે.
હવે ઘણા રાજ્યોમાં મંદિરો સંસ્કૃતિના પ્રતીક બની ગયા છે. ન્યૂયોર્કમાં એક મંદિરની બહાર રસ્તાનું નામ ‘ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ’ રાખવામાં આવ્યું છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના રિપોર્ટમાં કહેવાયું છે કે હિંદુ અમેરિકનો ઝડપથી રાજકીય રીતે સક્રિય થઈ રહ્યા છે. અમેરિકામાં તણાવથી રાહત માટે અંદાજે 3.6 કરોડ અમેરિકનો યોગ કરે છે જ્યારે 1.8 કરોડ નિયમિત ધ્યાન કરે છે.