અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરાયા બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં મોટો ઉછાળો

નવી દિલ્હીઃ બુધવારે સવારે ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય ઠેકાણાં પર હુમલો કરાયા બાદ ક્રૂડ ઓઇલના ભાવોમાં મોટો ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ૩.૫ ટકાનો વધારો થયો છે, જેનો સીધો અર્થ એ થાય છે કે આગામી કેટલાક દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો જોવા મળશે. પહેલી જાન્યુઆરીથી લઈને દેશના તમામ પેટ્રોલ પંપોમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલ વિતરણ કંપનીઓ રોજ ભાવોમાં વધારો કરી રહી છે. મંગળવારે મહાનગરોમાં પેટ્રોલના ભાવમાં પાંચ પૈસા વધ્યા હતા, જ્યારે ડીઝલના ભાવોમાં દિલ્હી, કોલકાતા અને ચેન્નઇમાં ૧૧ પૈસા અને મુંબઈમાં ૧૨ પૈસા વધારો થયો હતો. જોકે આજના ભાવ જોવા જઈએ તો આજે તેલ કંપનીઓએ ભાવ વધાર્યા નથી. હકીકતમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવને કારણે ક્રૂડ ઓઇલના આયાતખર્ચમાં વધારો થાય એવો અંદેશો છે. આ મામલાના જાણકાર જણાવે છે કે ભારતે ક્રૂડ ઓઇલ માટે લગભગ ૫૧,૦૦૦ કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે.
અત્રે જણાવીએ કે ક્રૂડ ઓઇલની કિંમત સ્થાયી રીતે એક ડોલર પ્રતિ બેરલ વધવાથી ભારતનો ક્રૂડ ઓઇલ આયાતખર્ચ વાર્ષિક આધારે ૧.૬ અબજ ડોલર વધે છે. અધિકૃત પીપીએસીના અહેવાલ મુજબ ભારત પેટ્રોલિયમ પેદાશોનો દુનિયાનો સૌથી મોટો ખરીદાર દેશ છે. ભારત પોતાની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડ ઓઇલ અને લગભગ ૪૦ ટકા પ્રાકૃતિક ગેસની પૂર્તિ આયાત કરીને કરે છે.