અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ-પ્રિન્સ હેરીનાં લગ્નમાં પ્રિયંકા ચોપરાનો શાહી અંદાજ


આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બ્રિટનમાં 33 વર્ષના પ્રિન્સ હેરી અને હોલીવુડની અભિનેત્રી 36 વર્ષની મેગન મર્કેલનાં શાહી લગ્નમાં શાહી અંદાજમાં હાજરી આપી હતી. શાહી વેડિંગમાં ખાસ આમંત્રિત મહેમાનોમાં પ્રિયંકાનો સમાવેશ થતો હતો. ઇન્સ્ટાગ્રામ પર શાહી દંપતીનાં લગ્નમાં પોતાની તસવીર શેર કરતાં પ્રિયંકાએ નવદંપતીને અભિનંદન આપ્યાં હતાં. બ્રિટિશ રાજકુમાર હેરી અને મેગન મર્કેલને શાહી પરંપરા મુજબ લગ્નના દિવસે જ ડ્યુક એન્ડ ડચેશનું ટાઇટલ પણ મળી ગયું છે. આ શાહી લગ્નમાં કુલ રૂ. 600 કરોડનો ખર્ચ થયો હતો, જેમાંથી રૂ. 275 કરોડ સલામતી વ્યવસ્થા પાછળ થયા હતા. વિન્ડસર કેસલમાં 600 મહેમાનો હાજર રહ્યા હતા, જેમાં પ્રિયંકાનો સમાવેશ થતો હતો. ચર્ચ ગાર્ડનમાં 2500થી વધુ મહેમાનોની હાજરી હતી, જ્યારે ચર્ચની બહાર એક લાખ લોકો હાજર રહ્યા હતા.


આ રોયલ વેડિંગ અંગે ભારતમાં સૌથી વધુ ઉત્સુકતા જોવા મળી હતી. આ શાહી વેડિંગમાં અમેરિકી ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ, પૂર્વ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહેમ અને તેની પત્ની સિંગર ફેશન ડિઝાઇનર વિક્ટોરિયા બેકહેમ, હોલીવુડના અભિનેતા જ્યોર્જ ક્લૂની, પ્રિયંકા ચોપરા હાજર રહ્યાં હતાં. પ્રિયંકાને દુલ્હન મેગન મર્કેલની મિત્ર તરીકે આમંત્રણ મળ્યું હતું.
મેગન મર્કેલ વ્હાઇટ વેડિંગ ડ્રેસમાં અત્યંત રૂપાળી અને આકર્ષક લાગતી હતી. આ ડ્રેસમાં ભારતીય કમળ પણ ટાંકવામાં આવ્યું હતું. આ ડ્રેસમાં કોમનવેલ્થના તમામ 53 દેશોની કંઈક વિશેષતા હોવી જોઈએ તેમ મેગનની ઇચ્છા હતી. ઉલ્લેખનીય છે કે હેરી અને મેગને એક પણ ભેટ સ્વીકારી નથી, જેના બદલે લોકોને ચેરિટી અને ડોનેશન આપવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here