અમેરિકા સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ રાખતો દેશ, ભારત નવમા ક્રમે

 

નવી દિલ્હીઃ સોનું એક એવી ધાતુ છે જેને દરેક દેશ વધુમાં વધુ સંગ્રહ કરવાની ઇચ્છા રાખે છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન વિશ્વભરમાં કેન્દ્રીય બેંકોએ પોતાનું રિઝર્વ ગોલ્ડ વધાર્યું છે. ગોલ્ડ ખરીદવાનો આ ટ્રેન્ડ આ વર્ષ દરમિયાન વધુ જોવા મળ્યો છે. દરેક દેશ પોતાની પાસે સ્વર્ણ ભંડાર એટલે કે ગોલ્ડ રિઝર્વ રાખે છે. આ ગોલ્ડ રિઝર્વ દેશની કેન્દ્રીય બેંક પાસે હોય છે. કેન્દ્રીય બેંક આ ગોલ્ડ રિઝર્વને કોઇ પણ સંકટના સમયમાં દેશની આર્થિક સુરક્ષા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. ગોલ્ડ રિઝર્વ રાખવા મામલે અમેરિકા પહેલા ક્રમે છે.

અમેરિકા પાસે હાલ ૮૧૩૫.૫ મેટ્રિક ટન સોનું છે. બીજા ક્રમે જર્મની છે જેની પાસે ૩૩૬૩.૬ મેટ્રિક ટન સોનું છે જે તેના કુલ વિદેશી ભંડારના ૭૫ ટકા છે. ૨૪૫૧.૮ મેટ્રિક ટન ગોલ્ડ રિઝર્વ સાથે ઇટાલી ત્રીજા ક્રમે છે. ફાન્સ પાસે ૨૪૩૬ મેટ્રિક ટન સોનું છે જે આ યાદીમાં ચોથા ક્રમે છે. દુનિયાનો સૌથી મોટો દેશ ગણાતાં રશિયા પાસે ૨૦૪૦ મેટ્રિક ટન સોનું છે તો ભારતનો પાડોશી દેશ ચીન ૧૯૪૩ મેટ્રિક ટન સોના સાથે છઠ્ઠા ક્રમે છે. સ્વિટ્ઝર્લેન્ડ આ યાદીમાં સાતમાં ક્રમે છે અને આ દેશમાં ૧૦૪૦ મેટ્રિક ટન સોનું ગોલ્ડ રિઝર્વમાં છે. જાપાન સોનાના ભંડાર રાખવાની બાબતમાં આઠમા ક્રમે છે. જાપાનની સત્તાવાર ગોલ્ડ હોલ્ડિંગ ૭૬૫.૨ મેટ્રિક ટન છે. ભારત પાસે ૬૫૩ મેટ્રિક ટન સોનું છે. આ સાથે, ભારત ગોલ્ડ રિઝર્વની દષ્ટિએ નવમા ક્રમે આવે છે. નેધરલેન્ડ સોનાના ભંડાર રાખવાની બાબતમાં દસમાં ક્રમે આવે છે. નેધરલેન્ડ્સ પાસે ૬૧૨.૫ મેટ્રિક ટન સોનું છે.

કોરોના મહામારીમાં વિશ્વભરની તમામ સેન્ટ્રલ બેન્ક પોત-પોતાની ગોલ્ડ રિઝર્વ વધારી રહી છે. તદઉપરાંત સેન્ટ્રલ બેન્કોના રિઝર્વ મેનેજમેન્ટમાં સોનું હંમેશા મુખ્ય ભૂમિકામાં રહ્યું છે. જુલાઇ મહિના સુધી ઉપલબ્ધ ગોલ્ડ રિઝર્વ ડેટા અનુસાર અત્યારના મહિનાઓમાં સોનાની ખરીદીમાં વૃદ્ધિ થઇ છે. એટલે કે સોનાની કુલ ખરીદી અને વેચાણ પછી વિશ્વની સેન્ટ્રલ બેન્કોની પાસે જુલાઇમાં સરેરાશ નવ ટન સોનું રિઝર્વમાં આવ્યું. ગોલ્ડ ખરીદીનો આ ટ્રેન્ડ આખા વર્ષ દરમિયાન જોવા મળી શકે છે