અમેરિકા સહિત ૧૬ દેશોના પ્રતિનિધિ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે

શ્રીનગરઃ અમેરિકી રાજદૂત કેન જસ્ટર સહિત કુલ ૧૬ દેશોના પ્રતિનિધિઓ બુધવારે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાંચમી ઓગસ્ટ, ૨૦૧૯મીએ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી ૩૭૦મી કલમ રદ કર્યા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ નોર્મલ અને શાંત છે, એવું દુનિયા સમક્ષ દેખાડવાની ભારત સરકારની ઇચ્છા હતી.
ગુરુવાર, ૯મી જાન્યુઆરીએ અમેરિકી રાજદૂત કેન જસ્ટર સહિત ૧૬ દેશોના પ્રતિનિધિઓ જમ્મુ- કાશ્મીરની સહેલગાહે પહોંચ્યા હતા. દેશના મોટા ભાગના વિરોધ પક્ષો અને કેટલાક વિઘ્નસંતોષીઓ સતત એવો પ્રચાર કરી રહ્યા છે કે પોતાનો ખાસ દરજ્જો નષ્ટ થવાથી કાશ્મીરી પ્રજામાં અસંતોષની આગ ભભૂકી રહી હતી. એ પ્રચાર ખોટો છે એવું કેન્દ્ર સરકાર સાબિત કરવા માગતી હતી.
આ પ્રતિનિધિમંડળ સાથે ઉપ-રાજ્યપાલ જીસી મુર્મુ અને સમાજના કેટલાક આગેવાનો ચર્ચા-વિચારણા કરશે. આ પ્રતિનિધિમંડળમાં અમેરિકા ઉપરાંત બાંગ્લાદેશ, સાઉથ કોરિયા, મોરોક્કો, નાઇજીરિયા, વિયેતનામ, નોર્વે અને અન્ય કેટલાક દેશોના રાજદ્વારી લોકોનો પણ સમાવેશ કરાયો હતો. અગાઉ બ્રાઝિલે પણ પોતાના પ્રતિનિધિને મોકલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ અન્ય રોકાણોને કારણે આજની મુલાકાતમાં બ્રાઝિલના પ્રતિનિધિ નહિ હોય.
યુરોપિયન સંઘના કેટલાક દેશોના નેતાઓએ ભારતને એવો અનુરોધ કર્યો હતો કે કોઈ જુદા દિવસે અમને પણ જમ્મુ-કાશ્મીરની યાત્રા કરાવજો. આ લોકોએ એવી પણ માગણી કરી હતી કે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુખ અબદુલ્લા, ઉમર અબદુલ્લા અને મહેબૂબા મુફ્તિ સાથે વાત પણ કરાવજો. આ દરખાસ્ત પર ભારત સરકાર વિચાર કરી રહી હતી.