અમેરિકા સપ્ટેમ્બર સુધીમાં તેના રાસાયણિક શસ્ત્રોનો નાશ કરશે

અમેરિકી રાષ્ટ્રપતિ બાયડેને જાહેરાત કરી છે કે તેઓ સપ્ટેમ્બરમાં ૨૦૨૩ સુધીમાં તેમના તમામ રાસાયણિક હથિયારોનો નાશ કરી દેશે. હકીકતમાં, ગયા મહિને જ રશિયા અને ચીને સંયુકત નિવેદન જારી કરીને અમેરિકા પર રાસાયણિક હથિયારોનો નાશ કરવા દબાણ કર્યુ હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા કેમેકિલ વેપન્સ કન્વેન્શનનું એકમાત્ર સભ્ય છે. જેણે પોતાના રાસાયણિક હથિયારોને ખતમ કર્યા નથી. રશિયાનું કહેવું છે કે તેણે ૨૦૧૭માં જ તેના તમામ રાસાયણિક હથિયારોનો નાશ કરી દીધો હતો. જો કે, યુક્રેન યુદ્ઘ શરૂ થયા પછી, યુએસ અને બ્રિટને આશંકા વ્યકત કરી હતી કે રશિયા યુક્રેન વિરૂદ્ઘ રસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. જયારે, રશિયાએ અગાઉ અમેરિકા પર યુક્રેનમાં રાસાયણિક અને જૈવિક હથિયારો બનાવવાનો આરોપ લગાવ્યો હતો. ચીનનું કહેવું છે કે તેણે કયારેય રાસાયણિક હથિયાર બનાવ્યા નથી. જોકે બીજા વિશ્વયુદ્ઘ દરમિયાન જાપાને ચીનમાં રાસાયણિક શસ્ત્રોનો મોટો ભંડાર છોડી દીધો હતો. જેનો હવે નાશ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. ઓર્ગનાઇઝેશન ફોર પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ મુજબ, રાસાયણિક શસ્ત્રો, એવા શસ્ત્રો છે કે જેમાં ઝેરી રસાયણોનો ઉપયોગ ઇરાદાપૂર્વક લોકોને મારવા અથવા નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવે છે. ખતરનાક રસાયણોને હથિયાર બનાવી શકે તેવા લશ્કરી સાધનોને પણ રાસાયણિક શસ્ત્રો અથવા કેમિકલ હથિયાર ગણી શકાય છે.