અમેરિકા-ભારતની નિકટતાથી નારાજ રશિયા પાકને શસ્ત્રો વેચશે

 

ઈસ્લામાદઃ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ સંરક્ષણ સોદાઓ અને વેપાર સમજુતીઓ કરવાનો છે. વેપાર સમજુતી તો થતાં થશે પણ પાકિસ્તાને શસ્ત્ર-સરંજામ વેચવા રશિયા આતુર છે.

રશિયા અને પાકિસ્તાનની મિત્રતા કજોડું હોવાનો સંકેત જોકે મુલાકાતની કલાકોમાં જ જોવા મળ્યો હતો. વિદેશ મંત્રી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા. રશિયન વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનને પાકિસ્તાનના વડા પ્રધાનને લશ્કરી વડા તરીકે રજૂ કરાયા હતા. આ ટ્વિટ કલાકો સુધી રહી હતી અને આખા જગતમાં હાંસીપાત્ર બની હતી. ઘણા દાયકાઓથી રશિયા ભારતનું મિત્ર રાષ્ટ્ર છે એટલે ભારતને વાંધો હોય એવા દેશોનો સામાન્ય રીતે શસ્ત્રો વેચતું નથી. શસ્ત્રો વેચે તો પણ સામાન્ય કે મામુલી હોય એવા જ વેચતું હોય છે. પરંતુ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાન સુધી ધક્કો ખાધો એ બંને દેશોની નિકટતા દર્શાવે છે. ભારત છેલ્લાં કેટલાક વર્ષોથી અમેરિકાની નજદીક સરક્યું છે. રશિયાને એ પસંદ નથી જ. રશિયાના વિદેશ મંત્રી પાકિસ્તાન ઉતર્યા ત્યારે પોતાની છત્રી પોતે જ પકડી રાખી હતી. પાકિસ્તાનના નવાબજાદા વિદેશ મંત્રી કુરેશીની છત્રી તેના સહાયકે પકડી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની પણ ટીકા થઈ હતી.

રશિયાને અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો મજબૂત કરવો છે. તેમાં સાથ આપી શકે એવો દેશ પડોશી પાકિસ્તાન જ છે. અમેરિકા ધીમે ધીમે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરી રહ્યું છે. એ સ્થિતિનો લાભ લઈ રશિયા ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ જમાવવા ઈચ્છે છે. એક સમયે અફઘાનિસ્તાનમાં રશિયાનો દબદબો હતો. પાકિસ્તાન અને ચીનના સબંધો જગજાહેર છે. એ રીતે રશિયા સાથે પણ ચીનને સારાસારી છે. હવે જો પાકિસ્તાન સાથે રશિયાને સારા સંબંધો વિકસે તો પાકિસ્તાન-ચીન-રશિયાની નવી ત્રિપુટી ભારત માટે ચિંતાનો વિષય બની શકે. રશિયાએ જોકે એ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે સબંધો બગડે એવું કોઈ પગલું ભરવાનો અમારો ઈરાદો નથી. દરમિયાન પાક. વિદેશ મંત્રી કુરેશીએ રશિયાને કાશ્મીરમાં ચાલી રહેલી સ્થિતિ અંગે પણ વાકેફ કર્યા હતા.