
ઈરાનના વહીવટીતંત્ર દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે, અમેરિકા મિસાઈલના પરીક્ષણ બાબત ભલે વાંધાઓ ઊઠાવ્યા કરે, ઈરાન પોતાની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે જે અનિવાર્ય હશે તે તમામ પગલાં લેશે. અમેરિકાના વિરોધની પરવા કર્યા વિના ઈરાન પોતાની સુરક્ષા માટેની વ્યવસ્થાને પ્રાથમિકતા આપશે. ઈરાન દ્વારા કરવામાં આવતું મિસાઈલ પરીક્ષણ દેશની રક્ષાત્મક ક્ષમતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે છે. અમે મિસાઈલોનું પરીક્ષણ કરવાનો અમારો કાર્યક્રમ ચાલુ જ રાખીશું. આ મુદો્ કોઈ પણ ચર્ચા- વિચારણાના માળખાથી બહાર છે. આ કાર્યક્રમ અમારી રાષ્ટ્રીય સુરક્ષાનીતિનો હિસ્સો છે. એ માટે અમારે કોઈપણ દેશની પરવાનગી લેવાની જરૂર નથી.
ઈરાનના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, ઈરાને પોતાની આસપાસના ક્ષેત્રીય દેશોને એવું આશ્વાસન આપ્યું હતું કે, ઈસ્લામી ગણરાજ્યની મિસાઈલની ક્ષમતા વધવાથી અન્ય દેશોના હિતોને કશું નુકસાન નહિ થાય .
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ નિવેદન કર્યું હતુંકે, ઈરાન દ્વારા કરવામાં આવતું મિસાઈલ પરીક્ષણને કારણે યુનોની સુરક્ષા પરિષદના નિર્ધારીત નિયમનું ઉલ્લંઘન થાય છે. આ નિવેદન બાદ ઈરાનના વહીવટીતંત્ર દ્વારા ઉપરોક્ત નિવેદન કર્યું હતું.