નવી દિલ્હીઃ કોરોનાની પ્રથમ લહેર સમયે ભારતે લંબાવેલા મદદના હાથ માટે અમેરિકાએ આભાર માન્યો છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને કહ્યું કોવિડ-૧૯એ દેખા દીધી ત્યારે ભારતે જે રીતે અમેરિકાનો સાથ આપ્યો તેને અમે ક્યારે ભૂલી શકીએ તેમ નથી. આજ રીતે અમે પણ ભારતની મદદ કરીએ તેમ ઈચ્છી રહ્યા છીએ.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાની મુલાકાતે છે. તેઓની સાથેના સંવાદ દરમિયાન અમેરિકી વિદેશ મંત્રીએ આ વાત કહી હતી. બ્લિંકેનએ વધુમાં કહ્યું સાંપ્રત સમયમાં અનેક મુખ્ય પડકારોનો સામનો કરવા માટે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરી રહ્યું છે. કોવિડ-૧૯ સામેના યુદ્ધમાં પણ આપણે એકબીજાની સાથે છે. બંને દેશોની પાર્ટનરશિપ મજબૂત હોઈ તેના સારા પરિણામો મળી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. ભારતીય વિદેશ મંત્રીએ પણ કોરોના સામેના કપરાકાળમાં અમેરિકાથી મળેલી મદદ અને સધિયારાના માટે બાયડેન તંત્રનો આભાર માન્યો છે. બ્લિંકેન સાથેની મુલાકાતમાં કોરોના વેક્સિન પરની ચર્ચા પર વધુ ભાર મુકાયો હતો. આપણે અમેરિકાની મદદથી ભારતમાં વેક્સિનનું ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એસ. જયશંકરે વધુમાં કહ્યું અમેરિકી વિદેશ મંત્રી સાથેની બેઠક દરમિયાન ઈન્ડો પેસિફિક, અફઘાનિસ્તાન, મ્યાનમાર, યુએનએસસી સાથે સંકળાયેલા મુદ્દાઓ સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાનોને લઈ ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે ભારત-અમેરિકાની વેક્સિન પાર્ટનરશિપ પર પણ ફોકસ રહ્યું, એથી વેક્સિન સપ્લાયની વાત પર કોઈ અવરોધ રહે નહીં. એસ. જયશંકરે શુક્રવારે જ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલિવાન અને ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનની સાથે પણ બેઠક યોજી હતી