અમેરિકા ટીકટોક પર પ્રતિબંધ મૂકવા ગંભીર વિચાર કરી રહ્યું છે ઃ માઈક પોમ્પિયો

 

વોશિંગ્ટનઃ ભારત બાદ અમેરિકા પણ ચીની એપ્સ પર પ્રતિબંધ મુકવા વિચારી રહ્યું છે. ભારતે ૨૯ જૂને દેશમાંથી ટીકટોક સહિત ૫૯ ચીની એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અમેરિકાનાં વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું છે કે અમેરિકા ટીકટોક સહિતની તમામ ચાઈનીઝ સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પર ગંભીર રીતે વિચાર કરી રહી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને પણ આરોપ લગાવ્યો હતો કે ચીની સરકાર ટિકટોકનો ઉપયોગ પોતાના હેતુ માટે કરી રહી છે.

ભારતે રાજ્યની સલામતી અને સુરક્ષા તથા ચીન દ્વારા ગલવાન ઘાટીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર થયેલ હિંસક અથડામણ બાદ ૨૯ જૂને ટીકટોક સહિત તમામ ૫૯ ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો. ભારતે તમામ ચાઈનીઝ એપને એપલ અને ગુગલનાં એપ સ્ટોરથી હટાવી દીધા છે. હવે ભારત બાદ અમેરિકા પણ તમામ ચાઈનીઝ એપ પર રોક લગાવવા માટે વિચારી રહ્યું છે. અમેરિકાએ ભારત દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણયને ધ્યાનમાં રાખીને આ પગલા લઈ રહ્યાં છે.

રિપબ્લિકન સેનેટર જ્હોન કોર્નિનએ એક સમાચારને ટેગ કરીને જણાવ્યું હતું કે, ભારતે ગલવાન ઘાટીમાં થયેલા ભારત-ચીન ઘર્ષણનાં કારણે ટીકટોક અને અન્ય ૫૯ ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. રિપબ્લિકન સેનેટર જ્હોન રીક કોફ્રોડએ ટ્વીટ કર્યુ હતું કે, ટીકટોક પર પ્રતિબંધ લાગવો જ જોઈએ. ટીકટોકને તો ભુતકાળમાં જ જવું જોઈએ હતું.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ-બ્રાયને ચીની સરકાર પર આરોપ લગાવ્યો કે તે પોતાના હેતુને સિદ્ધ કરવા માટે ટીકટોકનો ઉપયોગ કરી રહી છે. અમેરિકામાં લગભગ ૪ કરોડ લોકો ટીકટોકનો ઉપયોગ કરે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં લગાતાર ટીકટોક પ્રસિદ્ધ થઈ રહ્યું હતું અને માત્ર એક જ વર્ષમાં ટીકટોકનાં ૧૨ કરોડથી સીધા ૨૦ કરોડ જેટલા ટીકટોક યુઝર્સ થઈ ગયા હતાં. ટીકટોકનાં વધુ યુઝર્સનાં મામલે અમેરિકા ભારત બાદ બીજું સ્થાન ધરાવે છે, જો કે ભારતનાં ટીકટોક યુઝર્સ અમેરિકાની સરખામણીમાં પાંચ ગણા વધુ હતા અને તેથી ચીનને પણ આ ખટક્યુ હતું. અમેરિકાના હાલ ૪.૫૦ લાખ જેટલા એક્ટીવ યુઝર્સ છે. બીજી બાજુ ટીકટોકે જણાવ્યું છે કે તેઓ થોડાક દિવસોમાં હોંગકોંગનાં માર્કેટથી પણ બહાર થઈ જશે. હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલમાં આવ્યા બાદ ચીને આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે ચીની સરકાર પર યુઝર્સનાં ડેટા ચોરી કરવાનો પણ આરોપ લાગ્યો છે