અમેરિકાસ્થિત દાતા દંપતી અશોક-રીટા પટેલની ઉપસ્થિતિમાં ઊજવાયો વાર્ષિકોત્સવ

ચારુસેટ સંલગ્ન અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપીનો નવમો વાર્ષિકોત્સવમાં ઇન્સ્ટિટ્યૂટના ચીફ પેટ્રન અશોક પટેલ અને રીટા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. (જમણે) તસવીરમાં વિદ્યાર્થિનીને એવોર્ડ પ્રદાન કરતાં રીટાબહેન પટેલ. (ઉપર) ડાયસ પર બિરાજમાન મહાનુભાવો. (બન્ને ફોટોઃ અશ્વિન પટેલ આણંદ)

ચાંગાઃ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ) સંલગ્ન અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપીનો નવમો વાર્ષિકોત્સવ ઊજવવામાં આવ્યો હતો.

ફિઝિયોથેરપી ઇન્સ્ટિટ્યૂટનાં ચીફ પેટ્રન અશોક પટેલ અને રીટા પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. અશોક પટેલે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે સાથે પોતાના મૂળને કદી ન વીસરવાની સલાહ આપી હતી. અતિથિવિશેષ તરીકે કેનેડા એનઆરઆઇ દંપતી ડો. પીયૂષ પટેલ અને આરતી પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે અશોક અને રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપીની સ્થાપના અમેરિકાના એરિઝોનાસ્થિત દાતા અશોકભાઈ પટેલ અને રીટાબહેન પટેલના રૂ. પાંચ કરોડના માતબર દાનથી કરવામાં આવી છે. આ દાન બદલ તેમને દાનભાસ્કર એવોર્ડ સન 2014માં પ્રદાન કરવામાં આવ્યો હતો.

ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ ડો. એમ. બાલાગણપતિ દ્વારા 2017-2018નો વિવિધ વિષયોમાં પીએચ.ડી. પ્રોગ્રામ, અનુસ્નાતક કક્ષાના નવા પ્રોગ્રામો, વિવિધ સેમિનાર તેમ જ વર્કશોપ, ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ, ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, સંસ્થાનું પરિણામ, વિદ્યાર્થીઓની સિદ્ધિઓ અને પ્લેસમેન્ટ વગેરેને આવરી લેતા અહેવાલની રજૂઆત કરાઈ હતી. અધ્યક્ષસ્થાને ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. બી. જી. પટેલ, કેળવણી મંડળ, સીએચઆરએફ અને માતૃસંસ્થાના મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્રભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, વિવિધ વિદ્યાશાખાઓના ડીન તેમ જ પ્રિન્સિપાલો, ફિઝિયોથેરપી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.