અમેરિકાસ્થિતદાતા લીલાબા પટેલનું આઠ કરોડનું દાનઃ દાનભાસ્કર એવોર્ડ પ્રદાન


ડાબે) શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ, ચાંગામાં સૂર્યકાન્ત છગનભાઈ પટેલ એક્સિડન્ટ એન્ડ ઇમરજન્સી સર્વિસીસના નામાભિધાન અને દાતા લીલાબા પટેલને દાન ભાસ્કર એવાર્ડ પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.તસવીરમાં લીલાબા પટેલ અને તેમના અમેરિકાસ્થિત પરિવારજનો સાથે ડો. ઉમા પટેલ, વીરેન્દ્રભાઈ પટેલ, ડો. બી. જી. પટેલ, ડો. એમ. આઇ. પટેલ, સુરેન્દ્ર પટેલ, નગીનભાઈ પટેલ, ડો. એમ. સી. પટેલ, ધીરૂભાઇ પટેલ. (જમણે) લીલાબા પટેલ, પુત્રી રન્ના અને ડો. મહીપ દ્વારા દાનભાસ્કર એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. (બંને ફોટોઃ અશ્વિન પટેલ, આણંદ)

ચાંગાઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના ઉપક્રમે ચારુસેટ હોસ્પિટલ, ચાંગામાં સૂર્યકાન્ત છગનભાઈ પટેલ એક્સિડન્ટ એન્ડ ઇમરજન્સી સર્વિસીસના નામાભિધાન અને દિલાવર દાતા લીલાબા પટેલને દાન ભાસ્કર એવાર્ડ પ્રદાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. એક્સિડેન્ટ એન્ડ ઇમરજન્સી સર્વિસીસનાં દાતા લીલાબા પટેલના હસ્તે તકતી અનાવરણ થકી નામાભિધાન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ચારુસેટ હોસ્પિટલમાં સ્થપાયેલી સૂર્યકાન્ત છગનભાઈ પટેલ એક્સિડન્ટ એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અર્થે લીલાબા પટેલ (બાંધણી/નૈરોબી/યુએસએ) તરફથી રૂ.આઠ કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે. ફક્ત ચરોતર જ નહિ, પરંતુ નાની-મોટી વિવિધ સંસ્થાઓમાં લીલાબા પટેલે મન મૂકીને દાનનો પ્રવાહ વહેવડાવ્યો છે. લીલાબા પટેલે આરોગ્ય-શિક્ષણ માટે દાન આપ્યું છે. આ પરિવાર વર્ષોથી આરોગ્ય-શિક્ષણ ક્ષેત્રે દાન કરતો આવ્યો છે.
આ પ્રસંગે યોજાયેલા સમારોહ અંતર્ગત સીએચઆરએફના ખજાનચી અને કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલે (કમ્ફી ફર્નિચર) સ્વાગત પ્રવચન કર્યું હતું. સીએચઆરએફના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વીરેન્દ્ર પટેલે મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ચારુસેટ હોસ્પિટલને આઠ કરોડના માતબર દાન બદલ સૂર્યકાન્ત અને લીલાબા પટેલને ચારુસેટ કેમ્પસમાં કેળવણી મંડળની આગવી પરંપરા અનુસાર સન્માનપુષ્પ અને દાન ભાસ્કર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

કેળવણી મંડળ, માતૃસંસ્થા અને સીએચઆરએફના સ્થાપક મંત્રી ડો. એમ. સી. પટેલ દ્વારા પુષ્પગુચ્છથી અને માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીન પટેલ દ્વારા દાતા લીલાબા પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલની રૂપરેખા આપવામાં આવી હતી. લીલાબા પટેલ, પુત્રી રન્ના અને ડો. મહીપ અને તેમનાં પોત્ર-પૌત્રી, સગાં-સ્નેહીઓ તથા સમગ્ર પરિવાર દ્વારા સહર્ષ આ સન્માનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અગ્રણી દાતા પ્રફુલ્લકુમાર પટેલ અને મુંબઈના પૂર્વ શેરીફ અને અગ્રણી ઉદ્યોગપતિ ડો. એમ આઇ. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  ડો. એમ. આઇ. પટેલે તેમના પ્રાસંગિક પ્રવચનમાં તેમની સૂર્યકાન્તભાઈ છગનભાઈ પટેલ અને લીલાબાના પરિવાર સાથેની 72 વર્ષ જૂની મિત્રતાનાં સ્મરણો વાગોળ્યાં હતાં. આ પ્રસંગે દાતા પરિવાર વતી લીલાબા પટેલનાં પુત્રી અમેરિકાસ્થિત રન્નાબહેન અને જમાઈ ડો. મહીપ ગોયલે મહાદાન પરત્વે સંતોષ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. બાંધણીનાં મૂળ વતની અને હાલ અમેરિકાસ્થિત લીલાબાના દિયર ડો. યશવંત પટેલે તેમના મોટા ભાઈ સૂર્યકાંત સાથેનાં સ્મરણોની સાથે સાથે તેમના મોસાળ ગામ ચાંગામાં ગામની દીકરી લક્ષ્મીનું સંભારણું એક ભાણેજના પરિવારે આઠ કરોડનું દાન ઇતિહાસમાં અંકિત થઈ રહ્યાનો હરખ રજૂ કર્યો હતો. સુરેન્દ્ર પટેલે આ તબક્કે દાતાઓની ઉમદા ભાવનાથી મસમોટાં દાન મળ્યાં છે જે થકી આ સંસ્થાઓનો વિકાસ થયો છે, એ બદલ દાતાઓનો વિશેષ આભાર માન્યો હતો.
આ પ્રસંગે બાકરોલના ડાહ્યાભાઈ કાશીભાઈ પટેલે અગાઉ તેમના પરિવાર તરફથી ચારુસેટ હોસ્પિટલ માટે બે બેડનું દાન આપ્યું હતું, જેમાં આગળ વધીને આ વખતે તેમના સ્વ. પિતા કાશીભાઈના સ્મરણાર્થે એક બેડ માટેનું રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો અને તેમના નાના ભાઈ તરફથી એક બેડનું સંકલ્પદાન જાહેર કર્યું હતું.

નગીનભાઈ પટેલે ચાંગાની આસપાસનાં ચરોતરનાં 35થી 45 ગામોને સ્વાસ્થ્ય સેવાનો જીવાદોરીરૂપ આધાર ચારુસેટ હોસ્પિટલ થકી સ્થાપિત થયો છે. માતૃસંસ્થા- સીએચઆરએફના સહમંત્રી ધીરુભાઈ પટેલે સહિયારી સ્વાસ્થ્ય યાત્રાની આજ પર્યંતની યાત્રા માટે સહયોગ આપનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. ચારુસેટ હોસ્પિટલનાં ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. ઉમા પટેલ અને તેમની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.